ગાંધીનગરઃ વિશ્વની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના 'આયુષ્યમાન ભારત'ના અમલીકરણ માટે હવે દેશભરનાં રાજ્યોમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાનાં અમલીકરણ માટે 'હેલ્થ પ્રોટેકશન સોસાયટી'ની રચના કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને તેનાં અધ્યક્ષ બનાવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુષ્યમાન ભારત યોજનાના અમલીકરણ માટે રાજ્યમાં 13 સભ્યોની એક ગવર્નિંગ બોડીની રચના કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બોડીના અધ્યક્ષ રહેશે. આ ઉપરાંત, તેમાં આરોગ્ય, નાણાં, સામાજિક ન્યાય અને અધિકારિતા, ગ્રામ વિકાસ અને શહેરી વિકાસનાં સચિવ તેમજ આરોગ્ય કમિશનરોનો સમાવેશ કરાયો છે.


ઉલ્લેખનીય છે કે, વિશ્વની સૌથી મોટી એવી કેન્દ્ર સરકારની અત્યંત મહત્વાકાંક્ષી "આયુષ્યમાન ભારત યોજના" અંતર્ગત દેશનાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનોને પરિવાર દીઠ વાર્ષિક રૂ.5 લાખ સુધીની સારવારનું આરોગ્ય કવચ પુરું પાડવામાં આવનારું છે. જેનો ફાયદો દેશનાં લગભગ 50 કરોડથી વધુ પરિવારોને થવાનો છે. યોજનાનો મુખ્ય હેતુ સ્વસ્થ ભારત નિર્માણ કરવાનો છે. 


ગુજરાત રાજ્યમાં વર્તમાનમાં અમલી એવી RSBY  અને મુખ્યમંત્રી અમૃતમ યોજનાનાં સંયુક્ત મોડલ તરીકે કેન્દ્ર સરકારની 'આયુષ્યમાન ભારત યોજના'ને અમલમાં મુકવાનું રાજ્ય સરકારનું આયોજન છે. યોજનાનો યોગ્ય રીતે અમલ થાય અને તેના દાયરામાં આવતા દરેક નાગરિકને તેનો લાભ મળે તેના માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય અને જિલ્લા અમલીકરણ સમિતિની પણ રચના કરવામાં આવશે. 


રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજનાના અમલીકરણની જવાબદારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંભાળી છે.