અમદાવાદઃ આવતીકાલ એટલે કે 12 માર્ચે ગાંધી આશ્રમ ખાતેથી 91મી દાંડી યાત્રા યોજાવાની છે. આ યાત્રાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ગાંધી આશ્રમમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી તૈયારીઓને આજે આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે અહીં ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરવા પહોંચી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે અમદાવાદ આવશે પીએમ મોદી
પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા ગાંધી આશ્રમ જવા માટે રવાના થશે. ગાંધી આશ્રમ પહોંચીને બાપુને સુતરની આંટી પહેરાવશે, ત્યાં ભજનનો કાર્યક્રમ પણ છે. ત્યારબાદ પીએમ ગાંધીજીની પ્રતિમાના દર્શન કરશે. અહીં તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આશ્રમમાં ડોમ બનાવવામાં આવ્યા છે, ત્યાં મહેમાનો બેસવાના છે. તો કોરોનાને કારણે આશ્રમને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યાં છે. 


પોલીસ અધિકારીઓ સુરક્ષામાં તૈનાત
પીએમ મોદીના આગમનને લઈને પોલીસ વિભાગ એલર્ટ છે. સવારથી અહીં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ નિરીક્ષણ કરી રહ્યાં છે. કાર્યક્રમમાં કોઈ ચુક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તો આજે સવારથી ગાંધી આશ્રમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુલાકાતીઓેને પણ ચેકિંગ બાદ અંદર જવા દેવામાં આવે છે. 


આ પણ વાંચોઃ સુરેન્દ્રકાકાને લાગ્યો મહિલાનો શ્રાપ? દશકો સુધી જે કોર્પોરેશન બોડી ચલાવી તેમાં પસંદગીના એક પણ નેતાને સ્થાન નહીં!


એરપોર્ટથી ગાંધી આશ્રમ પહોંચશે પીએમ મોદી
પીએમ મોદી સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ જશે. આજે આ રૂટ પર એસપીજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન સુભાષબ્રિજથી ગાંધીઆશ્રમ સુધી અને વાડજ સર્કલથી ગાંધીઆશ્રમ સુધીનો રોડ વાહનવ્યવહાર માટે બંધ રાખવામા આવ્યો હતો. 


સાબરમતી આશ્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય મંત્રી સહિતના કેટલાક દિગ્ગજ નેતાઓ પણ આવશે. દાંડીયાત્રાને 91 વર્ષ થઈ રહ્યાં હોવાના અવસરે દાંડીપૂલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે આજે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીના વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે. પીએમ મોદીની આ મુલાકાતને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ગાંધીજીએ આશ્રમથી દાંડીબ્રિજ પર થઈ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube