લેવાના દેવા થઈ જશે, જો કોરોનામાં બિનજરૂરી વાપરશો આ બે દવા
- બિનજરૂરી રીતે એઝીથ્રોમાઇસીન અને ડોક્સીસાયક્લીન લેવાથી દવાની બીજી જે બીમારી પર કામ કરતી હોય છે તે બીમારી પર તેની અસરકારકતામાં ઘટાડો થઈ શકે છે
અતુલ તિવારી/અમદાવાદ :કોરોના મહામારીમાં દવાઓથી લઈને ઈન્જેક્શનોની અછત સર્જાઈ છે. તેનુ મોટું કારણ એ છે કે દવાઓ અને ઈન્જેક્શનનો બિનજરૂરી વપરાશ વધી રહ્યો છે. જ્યાં જરૂર નથી ત્યાં તેનો વપરાશ થઈ રહ્યો છે, જેને કારણે જરૂરિયાતમંદ લોકોને તે મળી નથી રહ્યાં. ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી બે મહત્વની દવાઓનો બિનજરૂરી વપરાશ વધી ગયો છે. આ દવા છે એઝીથ્રોમાઈસીન અને ડોક્સીસાયક્લીન.
લોકો પૂછ્યા વગર લઈ લે છે દવા
એઝીથ્રોમાઈસીન અને ડોક્સીસાયક્લીન દવાના બિનજરૂરી વપરાશ વિશે એમડી ફિઝિશયન ડો.પ્રવીણ ગર્વનું કહેવુ છે કે, એઝીથ્રોમાઈસીન અને ડોક્સીસાયક્લીન દવાના બિનજરૂરી વપરાશમાં વધારો થયો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા લોકોએ ડોક્ટરને પૂછ્યા વગર જ એઝીથ્રોમાઇસીન અને ડોક્સીસાયક્લીનનો ઉપયોગ શરૂ કર્યો છે.
આ પણ વાંચો : દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો
બિનજરૂરી દવા લેવી હેલ્થ માટે નુકસાનકારક
તેઓ વધુમાં કહે છે કે, ડોક્ટરની જાણ બહાર એઝીથ્રોમાઇસીન અને ડોક્સીસાયક્લીન લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. એઝીથ્રોમાઇસીન અને ડોક્સીસાયક્લીન દવાઓનો સામાન્ય રીતે ટાયફોઈડ, ઝાડા તેમજ અન્ય બેક્ટેરીયલ ઇન્ફેક્શન દરમિયાન ડોક્ટરો દ્વારા દર્દીને લેવા માટે કહેવામાં આવે છે. પરંતુ બિનજરૂરી રીતે એઝીથ્રોમાઇસીન અને ડોક્સીસાયક્લીન લેવાથી દવાની બીજી જે બીમારી પર કામ કરતી હોય છે તે બીમારી પર તેની અસરકારકતામાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય બિનજરૂરી રીતે એન્ટીફંગલ દવાઓના વપરાશમાં પણ વધારો થયો છે. મ્યુકોરમાઇકોસીસ થવાના ડરથી એન્ટીફંગલ દવાઓ બિનજરૂરી રીતે લોકોએ લેવાનું શરૂ કર્યું છે. એન્ટીફંગલ દવા લેવાથી મ્યુકોરમાઇકોસિસથી બચી શકાય તે પ્રકારની મિથ્યા સાથે લોકો બિનજરૂરી રીતે દવા ખાઈ રહ્યા છે.