ડોક્ટરો અને પોલીસ સામે ખરાબ વર્તન ચલાવી લેવામાં આવશે નહીંઃ ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન
પ્રદીપસિંહ જાડેજાએ દિલ્હી દરવાજા ખાતે બનાવવામાં આવેલી કોરોના ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. તેમણે ડોક્ટરો સાથે મુલાકાત પણ કરી હતી.
આશકા જાની/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના ઘણા વિસ્તારોને ક્લસ્ટર ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ પહોંચ્યા છે. તેમણે પોલીસ કમિશનરની કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. જેમાં રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા, મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. બેઠક બાદ ગૃહરાજ્ય મંત્રીએ શહેરની સ્થિતિને જાણવા વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે ડોક્ટરો અને પોલીસ પર થઈ રહેલા હુમલા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.
પોલીસ અને મેડિકલ ટીમ સાથે ગેરવર્તન નહીં ચાલે
રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ અને મેડિકલની ટીમ પર હુમલા તથા ગેરવર્તણુંકની ઘટનાઓ સામે આવી હતી. તેના પર ગૃહરાજ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મેડિકલ ટીમ અને પોલીસ સાથે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ સાથે તેમણે કહ્યું કે, જે લોકો પોલીસ અને મેડિકલ ટીમ સાથે ખરાબ વર્તન કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, નવા 22 કેસ, 2 વ્યક્તિના મૃત્યુ, કુલ સંક્રમિતોની સંખ્યા 538
ડોક્ટરોની ટીમ સાથે કરી મુલાકાત
પ્રદીપસિંહ જાડેજાએ દિલ્હી દરવાજા ખાતે બનાવવામાં આવેલી કોરોના ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી. તેમણે ડોક્ટરો સાથે મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યના ડીજીપી તેમની સાથે રહ્યાં હતા. ત્યારબાદ પ્રેમ દરવાજા પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, સોશિયલ ડિસ્ટેન્સિંગ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ તૈનાત છે. પોલીસ જવાનો પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ગુજરાત માટે કામ કરી રહ્યાં છે. હું તેમને સલામ કરુ છું. તેમણે કહ્યું કે, અમદાવાદમાં કેટલાક હોટસ્પોટ અને બફર ઝોનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ ન થાય તે માટે આજે હું મળવા આવ્યો છું. આ સાથે તેમણે કહ્યું હતું કે, આગામી સમયમાં જે તબક્કામાંથી નિકળવાનું છે તે માટે ઘરમાં રહેવું જરૂરી છે. લૉકડાઉન વધારવા મામલે તેમણે કહ્યું કે, આ અંગે આવતીકાલે કોઈ જાહેરાત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર