લઘુમતીના નિવેદન પર બજરંગ દળ ગિન્નાયુ, શાહીથી કોંગ્રેસ કાર્યાલયનું નામ ‘હજ હાઉસ’ કર્યું
લઘુમતી અંગેના જગદીશ ઠાકોરના નિવેદથી બજરંગદળમાં રોષ...રાતોરાત કોંગ્રેસ કાર્યાલયનું નામ બદલી હજ હાઉસ કર્યું...રાજીવ ગાંધીની પ્રતિમા પર પોસ્ટર લગાવ્યા પોસ્ટર...
આશ્કા જાની/અમદાવાદ :ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે એક દિવસ પહેલા દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો હોવાનું નિવેદન આપ્યું હતું. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ભરી સભામાં દેશની સંપત્તિ પર પહેલો હક તો લઘુમતી સમાજનો જ હોવાના કોંગ્રેસના દાવાને દોહરાવ્યો છે. જેને લઈને હવે રાજકારણ ગરમાયુ છે. લઘુમતી અંગેના જગદીશ ઠાકોરના નિવેદનથી બજરંગ દળમાં રોષ જોવા મળ્યો છે. બજરંગ દળ દ્વારા ગુરુવાર રાત્રે કોંગ્રેસ કાર્યાલય બહાર હજ હાઉસ નામ લખી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજીવ ગાંધીની પ્રતિમા પર પોસ્ટર લગાવ્યા હતા. કોંગ્રેસે લખેલા લખાણ પર કૂચડો ફેરવ્યો હતો.
બજરંગ દળ દ્વારા કાળા અક્ષરમાં ‘હજ હાઉસ’ લખાયું
બજરંગ દળ દ્વારા અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય બહાર વિરોધ પ્રકટ કરાયો હતો. બજરંગ દળ દ્વારા કાળા અક્ષરમાં ‘હજ હાઉસ’ લખવામાં આવ્યુ હતું. તેમજ બેનરોને પણ કાળા રંગથી રંગ્યા હતા. ત્યારે બીજા દિવસે સવારે કોંગ્રેસ દ્વારા તમામ વસ્તુ હટાવી ડેમેજ કન્ટ્રોલ કરવામાં આવ્યું હતું. બજરંગ દળ દ્વારા લખેલા લખાણ પર સફેદ કલર કરવામાં આવ્યો હતો. અમદાવાદની ઓફિસમાં વિરોધ દર્શાવવવાના મામલે બજરંગ દળે જવાબદારી લીધી છે.
આ પણ વાંચો : અમૂલ બાદ બરોડા ડેરીએ પણ ભાવ વધારો કર્યો, જાણો તમારા ખિસ્સામાંથી કેટલા વધારાના રૂપિયા જશે
ગુજરાત કોંગ્રેસ પ્રમુખનું વિવાદિત નિવેદન
અમદાવાદમાં મળેલા ગુજરાત કોંગ્રેસ લઘુમતી સંમેલનમાં જગદીશ ઠાકોરે કહ્યુ હતું કે, કોંગ્રેસના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહે ડંકાની ચોટ પર કહ્યું હતું કે દેશની સંપત્તિ પર પહેલો હક લઘુમતીઓનો છે, અને આજે પણ કોંગ્રેસ પોતાની આ વિચારધારા સાથે જોડાયેલી છે. આવું બોલવાથી કેટલું નુકસાન થયું હતું અને કેટલું થશે એનો અંદાજ હોવા છતાં કોંગ્રેસ પાર્ટી પોતાની વિચારધારાને વરેલી છે. તો હિંદુસ્તાનની સંપત્તિ પર લઘુમતીઓનો પહેલો હક હોવાનો કોંગ્રેસે ફરી એકવાર દાવો કર્યો છે. પ્રાસંગિક સંબોધન દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, ભાજપ પાસે આજે કાર્યકરો નથી, તમામ કાર્યક્રમો સરકારના ખર્ચે કરાઈ રહ્યા છે. જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, લઘુમતીના 20000 થી વધુ વોટ ધરાવતી રાજ્યમાં 60 બેઠકો છે, આ તમામ બેઠકો પર કાર્યક્રમો કરવાના છે. દરેક બેઠક પર લઘુમતિના દરેક ફિરકા અને જમાતને આમંત્રણ આપો. મતદાનના દિવસે મહત્તમ મતદાન કરવાનો પ્રયત્નો કરો. ચૂંટણીમાં ભાજપનો મતદાર મત આપ્યા વગર રહેતો નથી, તો આપણો મતદાર કેમ બાકી રહે છે? આપણું મતદાન ઓછું થાય છે એટલે આપણે સત્તામાં નથી.