Banaskantha Lok Sabha Result Election 2024:  બનાસકાંઠા બેઠક પર આજે સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી ભારે રસાકસી જોવા મળી રહી હતી કારણ કે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર સતત આગળ જોવા મળી રહ્યા હતાં પરંતુ હવે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ દમદાર વાપસી કરી પરંતુ આખરે ગેનીબેન તેમને હરાવવામાં સફળ થયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેનીબેન ઠાકોરની જીત
બનાસકાંઠાની સીટ કોંગ્રેસને અપાવીને ગેનીબેન ઠાકોરે ભાજપની ગુજરાતમાં ક્લિનસ્વીપ પર બ્રેક લગાવી દીધી છે. ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવી દીધા છે. તેમણે 22,700  મતોથી રેખાબેન ચૌધરીને હરાવી દીધા છે. 


બનાસકાંઠા બેઠક પરથી આ વખતે કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી. રેખાબેન એ શિક્ષિત મહિલા ઉમેદવાર હોવા ઉપરાંત બનાસ ડેરીના સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલના પૌત્રી પણ છે. જો કે ગેનીબેન પણ સામે મજબૂત મહિલા નેતા હતા. એક ફાયરબ્રાન્ડ નેતા તરીકે તેમની ઈમેજ છે અને 2017થી વાવ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. આ વખતે આ બેઠક માટે બહુ રસાકસી રહી શકે છે તેવી વાતો થતી હતી. ગેનીબેન ઠાકોર પાસેથી કોંગ્રેસને સારી એવી અપેક્ષાઓ હતી.


એક સમયનો કોંગ્રેસનો ગઢ
આ વખતની ચર્ચિત લોકસભા બેઠકોમાંથી એક બેઠક એટલે બનાસકાંઠા લોકસભા બેઠક. એક સમયે આ સીટ કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પણ 1991થી વાત કરીએ તો અત્યાર સુધીમાં ફક્ત બે વાર કોંગ્રેસ આ સીટ જીતી છે. જ્યારે 6 વખત ભાજપે બાજી મારી છે. વર્ષ 2009થી આ બેઠક સતત ભાજપ જીતતો રહ્યો છે. બનાસકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો તેમાં 7 વિધાનસભા બેઠકો છે જેમાંથી થરાદ, પાલનપુર, ડીસા અને દીયોદર ભાજપના ફાળે છે જ્યારે વાવ અને દાંતા બેઠક કોંગ્રેસે જીતેલી છે. ધાનેરા બેઠક પરથી ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી દેસાઈ અપક્ષ તરીકે ચૂંટાયેલા છે. જો કે તેમણે પાછો ભાજપને જ ટેકો જાહેર કરેલો છે. 


કોનું વધુ પ્રભુત્વ
બેઠકના મતદારો વિશે વાત કરીએ તો આ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારોનું વર્ચસ્વ છે જેમની સંખ્યા અંદાજે 3.43 લાખ છે. જ્યારે 2.71 જેટલા ચૌધરી મતદારો છે. દોઢ લાખ જેટલા આદિવાસી મતદારો છે, અને એટલા લગભગ દલિત મતદારો છે. સવા લાભ જેટલા ક્ષત્રિય મતદારો છે. બનાસકાંઠામાં કુલ મતદારોની સંખ્યા 6,46,231 છે. 


ગત ચૂંટણીનું પરિણામ
2019ની લોકસભા બેઠકના પરિણામ વિશે વાત કરીએ તો 2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ભાજપના પરબતભાઈ પટેલે જીતી હતી. આ લોકસભા બેઠક હેઠળ વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર વિધાનસભા બેઠકો આવે છે.