બનાસકાંઠાઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા સીટ પર બે મહિલા ઉમેદવારો વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભાજપે આ સીટથી ડો. રેખા ચૌધરીને ટિકિટ આપી છે તો બીજીતરફ કોંગ્રેસ પાર્ટીએ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. અત્યાર સુધી ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર સીટ છે જ્યાં કોંગ્રેસ અને ભાજપ બંનેએ મહિલા ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. રેખા ચૌધરી ખુદને બનાસકાંઠાના દીકરી ગણાવી મત માંગી રહ્યાં છે તો કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઇમોશનલ કાર્ડ રમતા ખુદને બનાસકાંઠાના બહેન ગણાવી મત માંગી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે મને એટલું મામેરૂ આપો કે હું જીતી જાઉં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોને મળશે જીત?
ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી શિક્ષણના ક્ષેત્રમાં સક્રિય હતા. તેઓ નોકરી છોડી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. રેખા લોકોને કહી રહ્યાં છે કે હું હિન્દી અને અંગ્રેજી જાણું છું. તેવામાં હું તમારી તમામ સમસ્યાઓ દિલ્હીમાં ઉઠાવીશ. બનાસકાઠામાં મેદાનમાં ઉતરેલી દીકરી કે બહેનમાં કોને જીત મળશે? તે તો ચાર જૂને ખબર પડશે કે મતદાતાઓએ કોને પસંદ કર્યાં, પરંતુ ગુજરાતમાં બનાસકાંઠાની સીટ મહિલા વિરુદ્ધ મહિલા હોવાને કારણે ચર્ચામાં આવી ગઈ છે. રેખા ચૌધરી પ્રથમવાર ચૂંટણી મેદાનમાં છે તો ગેનીબેન ઠાકોર ઘણા સમયથી રાજનીતિમાં છે. તે બીજીવાર ધારાસભ્ય બન્યા છે.


આ પણ વાંચોઃ રૂપાલાને ઘેરવા ક્ષત્રિયોએ બનાવી નવી રણનીતિ, ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યા ક્ષત્રિય


ગણિતના પ્રોફેસર છે રેખા ચૌધરી
ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરી ગલ્બાભાઈ ચૌધરીની પૌત્રી છે. ગલ્બાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી. રેખા ચૌધરીએ એમ.એસસી, એમ ફિલ અને પીએચડી (ગણિત) નું શિક્ષણ મેળવ્યું છે. 44 વર્ષના રેખા ચૌધરી પાલનપુરમાં રહે છે. રેખા ચૌધરી ભાજપના મોરબી જિલ્લાના પ્રભારી ડો. હિતેશ ચૌધરીના પત્ની છે. ડો. હિતેશભાઈ પાર્ટી માટે કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લામાં ભાજપના મહાસચિવ અને રાજ્ય સ્તર પર ગુજરાતમાં યુવા મોર્ચાના ત્રણવાર પદાધિકારી રહી ચૂક્યા છે.


શું ફરી ચોંકાવશે ગેનીબેન?
ગેનીબેન નાગજીભાઈ ઠાકોર કોંગ્રેસના નેતા છે. તે વાવથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવી 2017માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેને 2012માં વાવથી વિધાનસભાની ચૂંટણી લડી હતી પરંતુ હાર મળી હતી. પછી તેમણે વાવ સીટથી 2017માં વિધાનસભા ચૂંટણી લડી અને 6655 મતથી જીત મેળવી હતી. 2022માં તેઓ બીજીવાર ચૂંટાયા હતા. ગેનીબેન પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે.


આ પણ વાંચોઃ રાજકોટમાં રૂપાલા સામે 100 ક્ષત્રિયાણી ફોર્મ ભરે તો બેલેટ પેપરથી થશે ચૂંટણી, જાણો


શું છે બનાસકાંઠાનું ગણિત?
બનાસકાંઠા લોકસભા ક્ષેત્રમાં કુલ સાત વિધાનસભા આવેલી છે. આ સાતેય સીટો બનાસકાંઠા જિલ્લાની છે. દાંતા સીટ છોડી બાકી દરેક સીટ સામાન્ય છે. દાંતા સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. તેમાં ગેનીબેન ઠાકોર વાવ સીટથી ધારાસભ્ય છે. ધાનેરા સીટ પર અપક્ષનો કબજો છે, દાંતા સીટ પણ કોંગ્રેસની પાસે છે. બાકીની ચારેય સીટ પર ભાજપનો કબજો છે. બનાસકાંઠા લોકસભા સીટની થરાદ સીટથી ભાજપ નેતા શંકર ચૌધરી ધારાસભ્ય છે. તે વર્તમાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. તેવામાં આ સીટના પરિણામથી શંકર ચૌધરીનું કદ પણ નક્કી થશે. 


પહેલા કોંગ્રેસનો ગઢ હતી સીટ
બનાસકાંઠા સીટ પર ભાજપે 2013ની પેટા ચૂંટણીમાં ચોથીવાર જીત મેળવી હતી. ત્યારબાદથી આ સીટ પર ભાજપનો કબજો છે. આ સીટ પર ભાજપે છ વખત જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસે 10 વખત જીત મેળવી છે. 1-1-1 વખત આ સીટ સ્વતંત્ર પાર્ટી, જનતા પાર્ટી અને ફરી જનતા દળના ખાતામાં આવી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ સીટ પર 3,68,296 મતથી જીત મળી હતી. ભાજપના પરબત પટેલે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. ભાજપે હવે નવા ઉમેદવારને ઉતાર્યા છે.