રૂપાલાને ઘેરવા ક્ષત્રિયોએ બનાવી નવી રણનીતિ, ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યા ક્ષત્રિય

બે-બે વાર જાહેરમાં માફી માગ્યા બાદ ફરી રૂપાલાએ નિવેદન આપ્યું છે કે મારી દ્રષ્ટિએ આ વિષય પુરો થઈ ગયો છે. ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે માટે મેં માફી માગી લીધી છે. ક્ષત્રિય ધર્મ મુજબ ક્ષત્રિયો મને માફ કરશે.

રૂપાલાને ઘેરવા ક્ષત્રિયોએ બનાવી નવી રણનીતિ, ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યા ક્ષત્રિય

રાજકોટઃ લોકસભાની ચૂંટણી પહેલાં જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુ:ખાવો બન્યું છે. જાહેરમાં બે-બે વાર માફી માગવા છતાં ક્ષત્રિયો વિવાદ શાંત કરવા તૈયાર નથી. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ત્યારે આ જ માગને પુરી કરવા માટે ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધની તૈયારી કરી લીધી છે. ત્યારે પરશોત્ત રૂપાલાને ઘેરવા ક્ષત્રિયોની શું છે નવી રણનીતિ, જોઈએ આ અહેવાલમાં.... 

રાજકોટના બિનરાજકીય કાર્યક્રમમાં આપેલું આજ નિવેદન પરશોત્તમ રૂપાલા માટે આજે માથાનો દુખાવો બન્યું છે. રૂખી સમાજને ખુશ કરવા અને મત ખાટવા માટે કરેલા આ નિવેદનથી આટલો મોટો વિવાદ ઉભો થશે એવું ખુદ પરશોત્તમ રૂપાલાએ સપને પણ નહીં વિચાર્યુ હોય. ત્યારે જાહેર સભાઓમાં ડાયરાની જેમ ભાષણ આપવાના શોખીન પરશોત્તમ રૂપાલા હવે બરાબરના ફસાયા છે. રૂપાલા સામેનો વિરોધ હવે આગ પકડી રહ્યો છે. કેમ કેમ ઠેર ઠેર જગ્યાએ રૂપાલાનો વિરોધ થવા લાગ્યો છે. 

પરશોત્તમ રૂપાલા વારંવાર જાહેરમાં આવીને માફી માગી રહ્યા છે. છતાં ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય સમાજની એક જ માગ છે કે રાજકોટ બેઠક પર ભાજપે ઉભા રાખેલા પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ત્યારે પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે હવે ક્ષત્રિયોએ નવી રણનીતિ ઘડી છે. અને એ માટે આગામી 6-7 એપ્રિલના રોજ રાજકોટ નજીક ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજવામાં આવશે.  

પરશોત્તમ રૂપાલાને ગાદી પરથી જમીન પર લાવવા માટે ક્ષત્રિયાણીઓ મેદાનમાં આવી છે. પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ પણ પોતાની રણનીતિ બનાવી છે. જે માટે ક્ષત્રિય સમાજની મહિલાએ એક મહાસંમેલન બોલાવવાની તૈયારી કરી છે. સાથે જ રાજકોટ લોકસભા બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓએ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. 

જાણી જોઈને નહીં, પરંતુ ભૂલથી આપેલા ક્ષત્રિયો વિશેના નિવેદનથી હવે રાજવી પરિવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વઢવાણના રાજવી પરિવારના રાજવી સુધીરસિંહજી ઝાલાએ કહ્યુ કે રૂપાલાની ટિકિટ રદ કરવી એજ એક સમાધાન છે, તો ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યુ કે હંમેશા પહેલાં સમાજ હોવો જોઈએ,પછી જ પક્ષ હોવો જોઈએ.  

 રૂપાલાના વિરોધમાં કરણી સેના પણ મેદાનમાં છે. ગુજરાતમાં તો કરણી સેના વિરોધ નોંધાવી રહી છે. કરણીસેનાની પકડ ગુજરાતમાં તો છે, સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કરણીસેનાનો દબદબો છે. ત્યારે ક્ષત્રિયો વિશેના નિવેદનની આગ પાડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ પહોંચવા લાગી છે. મોરબી કરણી સેનાના પ્રમુખે રૂપાલાને તો ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે રૂપાલામાં તાકત હોય તો ટંકારા તાલુકામાં સભા કે રેલી કરી બતાવે... 

રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના લોકો પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રૂપાલાને બચાવવા આગળ આવેલા ક્ષત્રિય સમાજના આગેવાન અને ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ફસાયા છે. ગોંડલના ઉપલેટામાં પરશોત્તમ રૂપાલાની સાથે સાથે જયરાજસિંહ જાડેજાનો પણ વિરોધ કરતા બેનરો લાગ્યા છે. વિવાદ શાંત પાડવા માટે જયરાજસિંહની આગેવાનીમાં એક સંમેલન યોજાયું હતું...આ સંમેલનમાં જયરાજસિંહે કહ્યું હતું કે હવે વિવાદ પૂરો થઈ ગયો...જો કે ત્યાર પછી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડ્યા હતા. ત્યારે હવે ખુદ ક્ષત્રિય સમાજના લોકો જ ક્ષત્રિય આગેવાન જયરાજસિંહનો પણ વિરોધ કરવા લાગ્યા છે. 

પરશોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ શાંત નથી થઈ રહ્યો ત્યાં હવે અનુસુચિત જાતિના લોકો નારાજ થયા છે. રાજકોટ ખાતે ક્ષત્રિયોને રાજી કરવાના ચક્કરમાં રૂપાલાએ અનુસુચિત જાતિના લોકો વિશે શું બોલ્યા એ સાંભળી લઈએ. 

ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી. પરંતુ રૂપાલાનો જે બોલવાનો અંદાજ હતો તે અનુસુચિત જાતિના સમાજને ગમ્યો ન હતો. ત્યારે જૂનાગઢના સામાજિક આગેવાને રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી પણ આપી દીધી છે.  

હજુ ક્ષત્રિયોનો વિરોધ શાંત નથી થયો ત્યાં અનુસુચિત જાતિના સમાજના લોકો પણ રૂપાલાની વિરૂદ્ધમાં ઉતર્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા માટે કેટલા કપરા ચઢાણ રહેશે, એ તો હવે આગળનો સમય જ બતાવશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news