અલકેશ રાવ/બનાસકાંઠા :સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રવિવારના રોજ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે, જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આજે શનિવારે બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવે છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ તમે જાણશો તો દંગ રહી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાલનપુરથી 8 કિમી દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરી રહી છે. છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ-બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ, વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકશાન થયું હતું તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ત્યારે ગ્રામજનોએકત્ર થઈને ગામના પૂજારી પાસે ગયા ત્યારે પુજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ કાજે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ આગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે.


આ પણ વાંચો : વિચલિત કરી દે તેવો Video : પાંચમા માળેથી હવામાં ફંગોળાઈને બાળકી નીચે પટકાઈ  


ચડોતર ગામના પૂજારી દીપકભાઈ શાસ્ત્રી જણાવે છે કે, વર્ષો પહેલા અમારા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો, જેના કારણે ગામલોકો ભયભીત થઈ ગયા હતા. તો ગામના ઉપસરપંચ તેજમલજી જસાતરે કહ્યું કે, ગામમાં રોગચાળો ફાટવાના કારણે સાધુ મહાત્માએ ઉપાય બતાવ્યો હતો કે ગામમાં રક્ષાબંધનના દિવસે કોઈ પણ બહેન તેના ભાઈને રાખડી નહિ બાંધે.


લોકવાયકા મુજબ, ગામમાં વર્ષો પહેલા ભયંકર રોગ ચાળો ફેલાઈ ગયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો અને પશુઓના મોત નિપજ્યા હતા. જેના કારણે ગામના લોકો ગભરાઈ ગયા હતા અને ગામના શિવજીના મંદિરમાં એક તપસ્વી સંત પાસે ગયા હતા. એક ઉપાય આપતા ગામના પુજારીએ કહ્યું કે આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને આખા ગામના દરેક ખૂણે-ખૂણે છાંટી દો. જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમાં તેનો છંટકાવ કર્યો હતો. જેના કારણે થોડી જ વારમાં બધુ જ શાંત થઈ ગયું. ત્યાર બાદ સંતે કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે આપણા ગામમાં કોઇ બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી નહિ બાંધે. ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામની એક પણ દીકરી રક્ષાબંધન પર પોતાના ભાઈને રાખડી બાંધતી નથી. ગામમાં 200 વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે રક્ષાબંધનના આગળના દિવસે રક્ષાબંધન ઉજવાય છે. 


આ પણ વાંચો : રક્ષાબંધન નથી ઉજવતુ ગુજરાતનું આ ગામ, 28 દિવસ તળાવમાંથી જીવતા નીકળ્યા હતા 4 યુવકો


દેશભરમાં આવતી કાલે ભાઈ-બહેનના પવિત્ર બંધન એવા રક્ષાબંધન ઉજવણી થનાર છે ત્યારે આજે રક્ષાબંધનના  એક દિવસ અગાઉ પાલનપુરના ચડોતર ગામની બહેનોએ આજે ભાઈ ને રાખડી બાંધીને ચડોતર ગામની રક્ષાબંધન ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ જીવંત રાખી છે. આજે ગામમાં ધામધૂમભર્યો માહોલ છે.