રવિ અગ્રવાલ, વડોદરા: જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી તા.10 ડિસેમ્બર અને બરોડા ડેરીની ચૂંટણી તા.28 ડિસેમ્બરના રોજ યોજાશે.  કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે બંને ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી.  ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભાજપા પ્રેરીત પેનલના 5 સભ્યો બિનહરીફ જાહેર થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનિય છે કે, ધ બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકની ચૂંટણી ગત તા.27 ઓક્ટોબરે અને બરોડા ડેરીની ચૂંટણી તા.5 નવેમ્બરના રોજ યોજાનાર હતી. પરંતુ, વડોદરા જિલ્લાના કરજણ સહિત ગુજરાતની 8 વિધાનસભા પેટાચૂંટણીઓ જાહેર થતાં, સહકારી ક્ષેત્રની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આગામી તા.10 ડિસેમ્બરના રોજ ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક અને બરોડા ડેરીની ચૂંટણી તા.28 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આજે બંને ચૂંટણી માટેનું ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવતા જિલ્લા સહકારી ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. 


ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. ભાજપા પ્રેરીત પેનલ દ્વારા ઉમેદવારી પત્રો પણ ભરી દેવામાં આવ્યા હતા. હવે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પુનઃ શરૂ થશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા.24-11-020 થી તા.27-11-020 બપોરે 3 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. તા. 10-12-020ના રોજ વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ. રૂપમ ટોકીઝ, હરણી રોડ ખાતે સવારે 9 થી બપોરે 3 કલાક મતદાન થશે. અને તા.11-12-020ના રોજ મતગણતરી હાથ ધરાશે.


ઉલ્લેખનિય છે કે, ધ બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક લિ.ની ચૂંટણીમાં બેંકના વર્તમાન સભ્ય અને બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી સહિત 5 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે બાકી રહેલા સભ્યોની ચૂંટણી માટે આગામી તા.10 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. આજે જાહેરનામું પ્રસિધ્ધ થતાં પુનઃ એકવાર બેંકના ઉમેદવારોએ રૂબરું  તેમજ સોશ્યલ મિડીયા દ્વારા મતદારોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે.


તેજ રીતે વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. બરોડા ડેરીની ચૂંટણી તા. 28 ડિસેમ્બરે જાહેર થતાં બરોડા ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત તા. 1-12--020થી તા.4-12-020 દરમિયાન ભરાશે. તા 18-12-020ના રોજ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ થશે. અને તા.28-12-020ના રોજ બરોડા ડેરી ખાતે મતદાન થશે. અને તા. 29-12-020ના રોજ બરોડા ડેરી ખાતે જ મતગણતરી હાથ ધરાશે. બરોડા ડેરીની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિધ્ધ થતાં સહકારી આગેવાનોએ પુનઃ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા હતા.


બરોડા ડેરીમાં હાલમાં ભાજપ પ્રેરિત બોર્ડ છે. જેના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ છે અને ઉપપ્રમુખ જી બી સોલંકી છે. બરોડા ડેરીની ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવે છે. લાખો રૂપિયાનો ખર્ચ થાય છે ત્યારે સહકારી મંડળીની ચૂંટણીમાં કોણ બાજી મારે છે તે આવનારા દિવસોમાં ખબર પડી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube