લોન સિક્યોરિટી પેટે એજન્ટને કોરા ચેક આપતાં પહેલાં ચેતજો, એજન્ટે જ રૂપિયા ઉપાડી લીધા
Fraud Loan Alert : અમદાવાદનો આ કેસ એ દર્શાવે છે કે લોનની જરૂરિયાત તો દરેકને હોય છે પણ બેંકના એજન્ટ પર પણ આંધળો વિશ્વાસ મૂકી એ કહે ત્યાં સાઈન કરતાં પહેલાં ડોક્યુમેન્ટ 10 વાર ચેક કરી લેવા એ જરૂરી છે
Fraud Loan Alert : લોન સમયે બેન્કના કર્મચારીઓ એટલા કાગળો પર સહીઓ કરાવતા હોય અને ડોક્યુમેન્ટસ માંગતા હોય છે કે એનો છેડો મળવો જ અઘરો છે. એક કાગળ આપ્યા બાદ આ નહીં હોય તો લોન મંજૂર નહીં થાય, આ જોઈશે બીજુ જોઈશે એમ કહી લોનધારકોની હાલત ખરાબ કરતા હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે જાણશો તો ચોંકી જશો. લોન લેતી વખતે સિક્યોરિટી પેટે કોરા ચેક એજન્ટને આપતા હો તો ચેતી જજો. કેમ કે, લોન પાસ થયા બાદ તમે આપેલા ચેક તમારા જ ખાતામાં નાંખી પૈસા ઉપાડી ઠગાઇ થઇ શકે છે. અમદાવાદમાં નરોડાનો એક વ્યક્તિ આ રીતે જ ઠગાયો છે. એજન્ટ તરીકે કામ કરતા એક ગઠિયાએ પાંચ લોકોને લોન અપાવવાનું કહી તેમની પાસેથી સિક્યોરિટી પેટે કોરાચેક લઇ લીધા હતા. બાદમાં લોન મંજૂર થતાં જ ખાતામાં આવેલા નાણાં તેણે આ કોરાચેક દ્વારા તેના એકાઉન્ટમાં જમા લઈ લીધા છે.
આ કેસ એ દર્શાવે છે કે લોનની જરૂરિયાત તો દરેકને હોય છે પણ બેંકના એજન્ટ પર પણ આંધળો વિશ્વાસ મૂકી એ કહે ત્યાં સાઈન કરતાં પહેલાં ડોક્યુમેન્ટ 10 વાર ચેક કરી લેવા એ જરૂરી છે. અમદાવાદના નરોડામાં રહેતા 45 વર્ષિય વિનાયકભાઈ અરવીકર એક કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. વર્ષ 2020 માં મકાનના સમારકામ કરાવવા માટે પૈસાની જરૂર હોવાથી તેમણે પર્સનલ લોન માટે અર્પિત પટેલ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. અર્પિત પટેલે પોતે બેંકમાંથી લોન અપાવવાનું કામ કરતો હોવાનું કહેતા તેઓએ તેના પર ભરોસો મૂક્યો હતો.
આ પણ વાંચો :
રૂપાણી સાથે જન્મોજનમનું વેર : વીણી વીણીને તેમના ‘ખાસ’ લોકોને રવાના કરાયા
આ બાદ અર્પિત પટેલે લોન માટેના જરૂરી કાગળો મંગાવતાં તેમના કાગળો પ્રમાણે લોન વધુ મંજૂર થતી હોવાનું જાણી તેણે વિનાયકભાઈને વિશ્વાસમાં લીધા હતા. અર્પિત પટેલે કહ્યું હતું કે, હું તમને 3 લાખની લોન અપાવું પણ મારે પણ 4 લાખની જરૂર છે જો તમે હા પાડો તો આપણે 7 લાખની લોન લઈને હપતાના રૂપિયા આપણે વહેંચી લઈશું. તેવી ખાતરી અને અને ભરોસો આપ્યો હતો. એ સમયે વિનાયકભાઈને લોનની જરૂર હતી એટલે એમને એજન્ટ પર ભરોસો મૂક્યો હતો.
આરોપી અર્પિત પટેલે કાગળો તથા સિક્યુરિટી પેટે ચેકની માંગ કરતા વિનાયકભાઈએ 10 ચેક કોરાસહી કરીને અર્પિત પટેલને આપ્યા હતા. બાદમાં થોડા સમય પછી વિનાયકભાઈના ફોન ઉપર તેમના એકાઉન્ટમાં 7.71 લાખની લોન મંજૂર થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં તેઓને માલુમ પડ્યું કે, સિક્યુરિટી પેટે આપેલા ચેક મારફતે 7.25 લાખ ખાતામાંથી ઉપડી ગયા છે. આમ એજન્ટે 7 લાખની લોન મંજૂર કરાવી એ જ રૂપિયા કોરા આપેલા ચેક મારફતે સેરવી લીધા હતા. આ ઘટના સામે આવતાં વિનાયકભાઈએ આ અંગે નરોડા પોલીસમાં ફરિયાદ કરી છે. તમે પણ કોઈ બેન્ક એજન્ટ પર આંધળો વિશ્વાસ ન કરતા નહીં તો ક્યારેક પસ્તાવાનો વારો આવશે.
આ પણ વાંચો :
અંબાલાલ કાકા અને હવામાન વિભાગ કરતા પણ ખતરનાક જ્યોતિષની આગાહી, માર્ચ મહિનો ભારે પડશે