રાજકોટઃ રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદન બાદ ક્ષત્રિય સમાજ નારાજ છે. સમગ્ર રાજ્યમાં રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે સમગ્ર વિવાદમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની સંડોવણી હોવાની વાતો બહાર આવી છે. હવે સમગ્ર મામલે બોઘરાએ સ્પષ્ટતા કરી છે. ભાજપના ઉપાધ્યક્ષે કહ્યું કે આ મામલે મારા સહિત પાર્ટીના તમામ કાર્યકર્તાઓ નિર્દોશ છે. જો મારી ભૂમિકા સામે આવશે તો જાહેર જીવન છોડી દઈશ. તેમણે કહ્યું કે આ વાત ભાજપની પ્રગતિ ન જોઈ શકનારા લોકો દ્વારા ફેલાવવામાં આવી રહી છે. જેમાં કોઈ તથ્ય નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું જાહેર જીવન છોડવા તૈયારઃ ભરત બોઘરા
આ અંગે વાત કરતા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું કે રાજકોટના ભાજપના દરેક કાર્યકર્તાઓ રૂપાલાને જીતાડવાનો પ્રસાય કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે મને અને રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પક્ષ દ્વારા કોઈ ખુલાસો પૂછવામાં આવ્યો નથી. વિપક્ષના લોકો ખોટી રીતે મારૂ નામ ઉછાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે અમારા કોઈ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી. આ સાથે કહ્યું કે જો આ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું.


આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદ પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, સામે આવી ચોંકાવનારી વિગત


શું બોલ્યા ભરત બોઘરા
ભરત બોઘરાએ કહ્યું કે જ્યારે પદ્મિની બા ભાજપમાં જોડાયા ત્યારે મારી આગેવાનીમાં હજારો લોકો જોડાયા હતા. તેમણે કહ્યું કે કોના મનમાં શું હોય તે નક્કી ન કરી શકાય? તેમણે કહ્યું કે પદ્મિમી બાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને તે મંજૂર પણ કરી લેવામાં આવ્યું હોવાથી ભાજપ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું કે હું 20 વર્ષથી કામ કરૂ છું. મારા હિતશત્રુઓ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેમાં કોઈ તથ્ય નથી. 


આંદોલન પર શું બોલ્યા બોઘરા
ભરત બોઘરાએ કહ્યું કે ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. આ નારાજગી દૂર કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. ક્ષત્રિય આગેવાનોની સાથે બેઠકો યોજવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે આ આંદોલન પૂર્ણ થઈ જશે. બોઘરાએ કહ્યું કે ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે. તેમણે લોકસભા ચૂંટણીમાં રૂપાલાની જીતનો દાવો પણ કર્યો હતો.