કરૂણાંતિક: લગ્નના માંડવેથી દીકરીની વિદાય પહેલા માતમ, વરરાજાની સાળીનો પરિણીતા થવાનો યોગ સર્જાયો
Bhavngar Bride Death On Marriage Day: આ ઘટનામાં વરરાજાની જે સાળી થવાની હતી એ કન્યાને પરણેતર બનવાનો યોગ સર્જાયો હતો. જ્યારે આજે અત્યંત દુઃખદ માહોલમાં સિહોર દિકરાના લગ્ન બાદ સાંજે મૃતક બહેનની અંતિમ યાત્રા યોજાઇ હતી.
ઝી બ્યુરો/ભાવનગર: ભાવનગર શહેરમાં લગ્ન મંડપમાંથી દીકરીની વિદાય પહેલા માતમ છવાયો હતો. આ ઘટનામાં લગ્નની ડોલીની જગ્યાએ દુલ્હનની અર્થી ઉઠી હતી. માંડવેથી જાન પાછી ન જાય તેથી માલધારી સમાજે પ્રેરણાદાય નિર્ણય લીધો હતો અને બહેનને પરણાવી હતી. સુભાષ નગરમાં માલધારી રાઠોડ પરિવારમાં બે દીકરી અને એક દીકરાના લગ્ન હતા તે દરમિયાન કરૂણાંતિક બની હતી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુભાષનગર વિસ્તારમાં રહેતા માલધારી રાઠોડ પરિવારના ઘરે બે દીકરી અને એક દિકરાના લગ્ન હતા. દીકરીની જાન ભાવનગર નજીકના નારી ગામેથી આવી હતી. જ્યારે દિકરાના આજે સિહોર ખાતે લગ્ન યોજાયા હતા. જાન લઇને વરરાજા પહોંચી ગયા હતા અને દીકરીના માંડવે લગ્નના સુરો વાગી રહ્યા હતા. આ દરમ્યાન જે યુવતીના લગ્ન કરવાના હતા તે યુવતી હેતલને અચાનક ચક્કર આવતા પડી ગઈ હતી. ત્યારબાદ જેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ડોકટરે મૃત જાહેર કરી હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું. જેના લગ્ન હતા એ દીકરીની અચાનક વિદાય થતાં પરિવાર આઘાતમાં હતો. પરંતુ લગ્નની જાન પાછી ના વળાય એ હિન્દુ રીત રિવાજ મુજબ તેની નાની બહેનને પરણાવી લગ્ન વિધિ પૂર્ણ કરાઈ હતી.
આ ઘટનામાં વરરાજાની જે સાળી થવાની હતી એ કન્યાને પરણેતર બનવાનો યોગ સર્જાયો હતો. જ્યારે આજે અત્યંત દુઃખદ માહોલમાં સિહોર દિકરાના લગ્ન બાદ સાંજે મૃતક બહેનની અંતિમ યાત્રા યોજાઇ હતી.
શું છે સમગ્ર ઘટના?
ભાવનગર ખાતે સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડની એક સાથે બે દીકરીના લગ્ન હોય ભારે ઉત્સાહભર્યો માહોલ હતો અને લગ્નગીતોથી વાતાવરણ ગુંજતું હતુ. એક દીકરી હેતલના લગ્નની જાન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલની આવી હતી પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું.
જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટક આવતા નિધન થયું હતુ. જેથી જ્યાં લગ્નની શરણાઇઓ ગુંજતી હતી. ત્યાં મરશીયા ગાવા પડે તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સંજોગોમાં જે મૃતક બહેનની નાની બહેન જે જાન આવી તેના વરરાજાની સાળી થવાની હતી તેની પરિણીતા થવાનો યોગ સર્જાયો હતો.
ખરેખર તો કપરા સંજોગોમાં પણ દીકરીના ઘરના રાઠોડ પરિવારે તત્કાલ નિર્ણય યોગ્ય લઈને જીણાભાઈની બીજી દીકરી પરણાવી હતી.