નેવીમાં ફિટનેસ ટેસ્ટ આપવા ગયેલો વિદ્યાર્થી પાસ તો થયો, પણ જશ્નની ખુશીમાં દરિયામાં ડૂબીને મર્યો
ભાવનગરના સિહોર ગામના એક આશાસ્પદ યુવકને કોઈ વિચારી ન શકે તેવુ મોત મળ્યુ હતું. યુવક વિશાખાપટ્ટનમમાં ફિટનેસ ટેસ્ટ આપવા ગયો હતો, જ્યાં તે પાસ તો થયો. પણ પાસ થયા બાદ બીચ પર ન્હાવા ગયો હતો. જ્યાં દરિયામાં ડૂબી જવાથી તેનુ મોત નિપજ્યુ હતું.
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના સિહોર ગામના એક આશાસ્પદ યુવકને કોઈ વિચારી ન શકે તેવુ મોત મળ્યુ હતું. યુવક વિશાખાપટ્ટનમમાં ફિટનેસ ટેસ્ટ આપવા ગયો હતો, જ્યાં તે પાસ તો થયો. પણ પાસ થયા બાદ બીચ પર ન્હાવા ગયો હતો. જ્યાં દરિયામાં ડૂબી જવાથી તેનુ મોત નિપજ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સિહોરના જીથરી ગામના ખીમજી મકવાણાનો દીકરો હાર્દિક મકવાણા (ઉ.વ.20) નામનો યુવક વિશાખાપટ્ટનમના દરિયામાં ડૂબ્યો હતો. અમદાવાદમાં એમ.જી સાયન્સ કોલેજ ખાતે અભ્યાસ કરતો આ હાર્દિક મકવાણા નેવીમાં કરિયર બનાવવા માંગતો હતો, તેથી તે વિશાખાપટ્ટનમ ખાતે નેવીમાં ફિટનેસ અંગેની પરીક્ષા આપવા ગયો હતો. હાર્દિક મકવાણા ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયો હતો. જેથી તે ખૂબ ખુશ હતો. આ ખુશીમાં તે વિશાખાપટ્ટનમના આરકે બીચમા ન્હાવા ગયો હતો.
આ પણ વાંચો : ગુજરાતનું ભાગ્યે જ કોઈમંદિર બાકી હશે જ્યાં શિવજી પાણી પીતા નહિ હોય, હવે તો નંદી અને કાચબો પણ પાણી પીવા લાગ્યો
પરીક્ષામાં પાસ થયેલા હાર્દિક ખુશ હતો. પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકી ન હતી. દરિયામાં ન્હાતા સમયે ડૂબી જતાં આ આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓ દ્વારા શનિવારે સાંજે તેનો મૃતદેહ દરિયામાં શોધીને બહાર કાઢ્યો હતો.
બીજી તરફ હાર્દિકના મૃતદેહને વિમાન માર્ગે ભાવનગર લાવવાની તજવીજ હાથ ધરાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ સહિતના લોકો પરિવારના સંપર્કમાં રહી મદદમાં જોડાયા હતા.