સરકારી ચોપડે માત્ર 2 મોત, પણ હોસ્પિટલમાં 20 મૃતદેહોએ કચ્છીઓને હચમચાવ્યા
- ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં અધધ 15 થી 20 મૃતદેહોનો પીપીઈ કિટમાં વીંટળાયેલો વીડિયો સામે આવ્યો
- જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી, હોસ્પિટલના પાર્કિગમાં પીપીઇ કીટ સહિતની સામગ્રી રઝળતી મળી આવી
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતના દરેક જિલ્લાની જેમ કચ્છ જિલ્લામાં પણ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. કચ્છની હોસ્પિટલોમાંથી પણ હવે મૃતદેહોની લાઈનો લાગી રહી છે. કચ્છમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, તો સાથે જ મૃતકોનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે ભૂજની કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી મોતનો તાંડવ રચાઈ રહ્યો છે. તો આ સાથે જ અદાણી સંચાલિત ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં મોતનો મલાજો પણ ન જળવાયો. આ હોસ્પિટલમાં દર કલાકે એક વ્યક્તિ કોરોનાથી મોતને ભેટતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પરંતુ કચ્છનાં વહીવટી તંત્રએ મૃત્યુઆંક ઢાંકવાનો પ્રયાસ પણ કર્યો છે. પરંતુ સ હકીકત સામે આવી છે.
આ પણ વાંચો : હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓ સાવધાન, જલ્દી જ ગુજરાતમાં આવશે નવા નિયમો
15 થી 20 મૃતદેહોનો પીપીઈ કિટમાં વીંટળાયેલો વીડિયો સામે આવ્યો
ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં અધધ 15 થી 20 મૃતદેહોનો પીપીઈ કિટમાં વીંટળાયેલો વીડિયો સામે આવ્યો છે. કોરોના દર્દીનું મોત થાય તો પરિવારજનોને જાણ સુદ્ધા કરવામાં નથી આવતી. સરકારી ચોપડે માત્ર 2 મોત બતાવાય છે, પણ હોસ્પિટલમાં 20 મૃતદેહો દેખાઈ રહ્યાં છે. આ દ્રશ્યોએ લોકોને હચમચાવ્યા છે. કચ્છનું તંત્ર મોતના આંકડા છુપાવતું હોવાની ફરિયાદો ગઈકાલે મુખ્યમંત્રીને કરાઈ પણ તેઓએ તંત્રની તરફેણમાં જ નિવેદન આપ્યું. હોસ્પિટલ હવે દર્દીઓથી નહિ પણ લાશથી ઉભરાઈ રહી છે. જે જોતા લાગી રહ્યું છે કે કચ્છીઓ હવે ભગવાન ભરોસે છે.
આ પણ વાંચો : રૂપાણી સરકારના નેતાઓને મોજેમોજ, છેલુભાઈ રાઠવાએ પુત્રના લગ્નમાં 50ને બદલે 500 ભેગા કર્યાં
વપરાયેલી પીપીઈ કીટ હોસ્પિટલના પાર્કિંગમાં ફેંકી દેવાઈ
કોરોના કાળમાં જી.કે.જનરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના પાર્કિગમાં પીપીઇ કીટ સહિતની સામગ્રી રઝળતી મળી આવી છે. વપરાયેલી પીપીઇ કીટનો જાહેરમાં નિકાલ કરવામાં આવ્યો હતો, જે કોરોના ફેલાવે તેમ છે. હોસ્પિટલ સ્ટાફની આ ઘોર બેદરકારીએ દર્દીઓના સ્વજનોના જીવ તાળવે ચોંટાડયા છે. હજી ઈકાલે સીએમ વિજય રૂપાણીએ આ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તેના બીજા જ દિવસે આ પ્રકારની બેદરકારી સામે આવી છે.