ઝી બ્યુરો/સુરત: ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ ચલાવવામાં આવી રહેલ “નો ડ્રગ્સ ઇન સુરત સીટી”ની સ્પેશિયલ ડ્રાઇવ દરમ્યાન એમ.ડી.ડ્રગ્સના જથ્થાની ડિલિવરી આપવા આવેલ શખ્સને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેની પાસેથી 48.72 લાખથી વધુની કિંમતનો 487.280 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત
સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી રૂપલ સોલંકીના જણાવ્યા અનુસાર,ક્રાઈમ બ્રાન્ચની ટીમે મળેલ માહિતીના આધારે ઉધના રેલવે સ્ટેશન નજીકથી એમ.ડી.ડ્રગ્સના જથ્થાની ડિલિવરી કરવા આવેલ ઉજ્જવલ શર્મા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.જેની પાસેથી 48.72 લાખથી વધુની કિંમતનો 487.280 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઉજ્જવલ શર્મા લૂંટ અને ચોરીના ગુનામાં પટનાની જેલમાં બંધ મુખ્ય આરોપી સુબોધસિંહનો સાગરીત છે. 


હથિયારો વડે ધાપ મારી ગોલ્ડની લૂંટ
સુબોધસિહ લૂંટ અને ચોરીના બે અલગ અલગ ગુનામાં પટનાની જેલમાં બંધ છે.જે શખ્સ જેલમાં બેઠા બેઠા આંતર-રાજ્ય એમડી ડ્રગ્સનું રેકેટ ચલાવે છે.ડ્રગ્સના ધંધા માટે સુબોધસિંહે એક ગેંગ બનાવી છે. આ ગેંગમાં અંદાજીત 200 જેટલા શખ્સો સામેલ છે. આ શખ્સો દ્વારા ગોલ્ડ પર ફાયનાન્સ કરતી સંસ્થાઓ પર હથિયારો વડે ધાપ મારી ગોલ્ડની લૂંટ ચલાવવામાં આવે છે. આ ગેંગના શખ્સો માથાભારે તરીકેની છાપ ધરાવે છે અને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાં પણ એમડી ડ્રગનો કારોબાર જેલમાં બેઠા બેઠા કરે છે. 


જેલમાં બંધ સુબોધસિંહનો સંપર્ક કરી ડ્રગ્સ મંગાવતો
વધુમાં ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે,એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી ઉજ્જવલ શર્મા સુરતમાં રહેતા મનોજ રાય નામના ઇસમને એમડીની ડીલીવરી આપવા માટે આવ્યો હતો. સુરતનો મનોજ રાય પટનાની જેલમાં બંધ સુબોધસિંહ સાથે ટેલિગ્રામ એપના માધ્યમથી સંપર્કમાં હતો. તે ટેલિગ્રામ મારફતે સુરતનો મનોજ રાય પટનાની જેલમાં બંધ રહેલ સુબોધસિંહનો સંપર્ક કરી ડ્રગ્સ મંગાવતો હતો. ઉજ્જવલ શર્મા કેટલા સમયથી સુરતમાં આ પ્રકારે ડ્રગ્સ સપ્લાય કરે છે અને કોણે કોણે ડ્રગ્સની ડિલીવરી હમણાં સુધી આપી ચુક્યો છે. તેની તપાસ હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચલાવવામાં આવી રહી છે.


સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી
ઉજ્જવલ શર્માના ગુનાહિત ઇતિહાસ ખંગોળવાની તજવીજ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. જ્યારે રીસીવર મનોજ રાયની પણ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.જો કે પટનાની જેલમાંથી આરોપી દ્વારા ચલાવવામાં આવતા ડ્રગ્સના આંતર-રાજ્ય કાળા કારોબારનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે.