વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય, પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષમાં જ કૃષિ યુનિવર્સિટીઓમાં મળશે પ્રવેશ
ધોરણ–૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે ચાલુ વર્ષથી જ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા- ડીગ્રીમાં ખાલી જગ્યાઓ પર પ્રવેશ અપાશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે.
ગાંધીનગરઃ રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ દ્વારા રાજ્યના વિશાળ વિદ્યાર્થી સમુદાયના હિતને ધ્યાને લઈ ધોરણ–૧૦ અને ધોરણ–૧૨માં પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ચાલુ વર્ષથી મેરીટના ધોરણે નિયમ મુજબ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ડીપ્લોમા તેમજ ડીગ્રી અભ્યાસક્રમોમાં ખાલી રહેલી જગ્યાઓ પર પ્રવેશ આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું.
કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓ, ખેતી નિયામક તેમજ બાગાયત નિયામક સાથે આજે સરકીટ હાઉસ, ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદની ૧૭મી બેઠક યોજાઇ હતી.
કૃષિ મંત્રી રાઘવજીભાઇએ સૂચન કરતાં કહ્યું હતું કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની જે જિલ્લામાં જમીન ઉપલબ્ધ હોય ત્યાં બાગાયતી પાકો માટે ટેકનોલોજી આધારીત સેન્ટર ઓફ એક્સલેન્સ ઉભા કરવા જોઇએ. હાલ ખેડૂતોના ખેતર પર નાળીયેરીમાં સફેદ માખી તેમજ મગફળીમાં મુંડા(વાઇટગ્રબ)ની ઉદભવેલ સમસ્યાને નિયંત્રણમાં લેવા, તેના નિવારણ માટે ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપીને આ પ્રકારના પ્રશ્નોનું ખેડૂતોના હિતમાં કાયમી નિવારણ માટે સંશોધન કરવું જોઇએ. બજારમાં મે થી ઓગસ્ટ દરમિયાન ટામેટાની માંગ વધુ હોય છે તે માટે ટામેટા પર પણ સંશોધન કાર્યક્રમો હાથ ધરીને આ માંગ પૂરી કરવા યોગ્ય યોજના બનાવવી જોઇએ. જેથી આ સમય તેમજ સમગ્ર વર્ષ દરમ્યાન ટામેટાની અછત ઉભી થાય નહીં. મંત્રીએ ઉમેર્યું કે ક્લાઇમેટ ચેન્જને કારણે ખેતી સામે ઉદભવેલા પડકારોને પહોંચી વળવા અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, માવઠા તેમજ વાવાઝોડાની પરીસ્થિતીમાં પણ સક્ષમ રીતે સામનો કરી શકે તેવા ખેતી પાકો અને ટકાઉ બિયારણોની જાત વિકસાવવા અંગે ખાસ ધ્યાન આપી સંશોધનો હાથ ધરવા સુચના આપી.
આ પણ વાંચોઃ શિક્ષણ વિભાગની કામગીરી રંગ લાવી, ધોરણ 8 થી 9નો ડ્રોપ આઉટ રેટ ઘટીને ચાલુ વર્ષે 5.5%
આ ઉપરાંત બેઠકમાં રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ દ્વારા યુનિવર્સિટીઓના કોમન પ્રશ્નોની ચર્ચા યોજાઇ હતી. જેમાં મુખ્યત્વે વર્ષ : ૨૦૨૩-૨૪ માટે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓની કામગીરી, પ્રવૃત્તિઓની વાર્ષિક યોજનાઓ તેમજ નાણાકીય અંદાજોની સમીક્ષા કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube