ગુજરાતમા શાળા-કોલેજ ખૂલવા અંગે મોટા સમાચાર
ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. શાળા કોલેજો શરૂ કરવા માટેની એસઓપી તૈયાર કરવાની કવાયત શિક્ષણ વિભાગે શરૂ કરી.
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં દિવાળીના વેકેશન બાદ શાળાઓ અને કોલેજો શરૂ કરવાના સંકેતો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. શાળા કોલેજો શરૂ કરવા માટેની એસઓપી તૈયાર કરવાની કવાયત શિક્ષણ વિભાગે શરૂ કરી.
રાજ્યમાં 2020 નું પ્રથમ શૈક્ષણિક ક્ષેત્ર માત્ર ઓનલાઇન શિક્ષણ જ આપવામાં આવ્યું છે, પણ બીજા સત્રથી શિક્ષણ કાર્ય ધીમે-ધીમે રાબેતા મુજબ શરૂ થાય એ દિશામાં શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યમાં બીજા સત્રથી શૈક્ષણિક કાર્ય શરૂ થાય તેની એસઓપી તૈયાર કરવા માટે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ સચિવ વિનોદ રાવ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એજે શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા.
આ પણ વાંચો : શરીરના અંગો પર 20-30 દારૂની બોટલ બાંધી વેચવા નીકળી મહિલા, જબ્બર વાયરલ થયો સુરતનો video
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે. જેમાં વિદ્યાર્થીઓને ત્રણ ત્રણ કલાકની બેચમાં એક ક્લાસરૂમમાં 20 વિદ્યાર્થીઓને ભણવામાંની વ્યવસ્થા કરવાની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવી શકે છે. કોવિડ 19 ની કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે માર્ગદર્શિકા કડકપણે પાલન કરવાની સૂચના સાથે શાળાઓ શરૂ કરી શકાય છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ધોરણ 9 થી 12 શરૂ કરતા પહેલા કોલેજો શરૂ કરવાની પણ વિચારણા શિક્ષણ વિભાગે હાથ ધરી છે. આ સંદર્ભે રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ ઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં કુલપતિઓના અભિપ્રાય પછી રાજ્યપાલ સાથે પણ ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય લેવાશે. એ જ પ્રકારે ધોરણ 9 થી 12 શરૂ કરવા સંદર્ભે એસઓપી તૈયાર કરવામાં આવશે અને આ ઓફિસ સંદર્ભે મુખ્યમંત્રી અને મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા વિચારણા કરીને આખરી નિર્ણય લેવાશે. શિક્ષણ વિભાગે આરોગ્ય વિભાગના મેળવેલા સૂચનોને આધારે હજુ હાલના તબક્કે પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા સંદર્ભે કોઈ નિર્ણય નહિ લેવામાં આવે. પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા સંદર્ભે જાન્યુઆરીમા વિચારણા થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે.