વાવાઝોડાથી લાઈટ, મોબાઈલ, ઈન્ટરનેટ બધુ બંધ થઈ જશે ત્યારે પણ ચાલતો રહેશે આ અનોખો રેડિયો!
Biporjoy Cyclone: GSDMA ગાંધીનગર દ્વારા સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓને કોમ્યુનિકેશન માટે હેમ રેડિયો ટીમ ફાળવવામાં આવી છે. જેનાથી ગમે તે પરિસ્થિતિની અંદર સમાચારોનું આદાન પ્રદાન થઈ શકે છે. કુદરતી આપદામાં જ્યારે તમામ પ્રકારના સંદેશા માધ્યમો ખોરવાય છે ત્યારે કામ આવે છે હેમ રેડિયો સિસ્ટમ.
Biparjoy Cyclone/ઝી બ્યૂરો, અમદાવાદઃ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ત્યારે આ આપદા વેળાએ જિલ્લામાં જો સંદેશા વ્યવહાર ખોરવાય તો તે માટે મહત્વની કડીરૂપ હેમ રેડિયો સિસ્ટમ GSDMA-ગુજરાત સ્ટેટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગર દ્વારા કચ્છ, જામનગર સહિતના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓને ફાળવવામાં આવ્યા છે.વાવાઝોડાના કારણે જયારે તમામ પ્રકારના કોમ્યુનિકેશન સંસાધનો નિષ્ક્રિય થઇ જાય છે તેવા સંજોગોમાં સંદેશા વ્યવહાર કાર્યરત રહે તે માટે હેમ રેડિયો ઓપરેટર અને ટેકનિકલ સહિતના સભ્યો સાથેની હેમ રેડીયો ટીમ દરેક જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વિનાશક વાવાઝોડું બિપોરજોય હાલ ગુજરાતના માથે મોટું સંકટ બનીને તોળાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં લાઈટો, ઈન્ટરનેટ બધુ જ બંધ થઈ શકે છે. જો વાવાઝોડું વિનાશ નોતરશે તો કોમ્યુનિકેશનના તમામ રસ્તાઓ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં કોમ્યુનિકેશન માટે જો એક માત્ર આશાનું કિરણ હોય તો તે છે રેડિયો. તમને જાણીને નવાઈ લાગશે કે બધુ બંધ થઈ જશે તો આ વળી રેડિયો કઈ રીતે ચાલુ રહેશે. અને ગીત વાગાડતો રેડિયો સંદેશો કઈ રીતે પહોંચાડશે. તો અહીં વાત થઈ રહી છે હેમ રેડિયોની. હેમ રેડિયો એક એવી વ્યવસ્થા છે જેનાથી દુનિયાના કોઈપણ ખૂણે કોમ્યુનિકેશન થઈ શકે છે. આવા સમયે છેલ્લી એક સદીથી એક શોખ રૂપે સચવાઈ રહેલો હેમ રેડિયો એટલે કે એમેચ્યોર રેડિયો જ માનવજીવન બચાવવા અને રાહત કામગીરી માટે સંકટ સમયની સાંકળ પુરવાર થયો છે. હવે તો હેમ રેડિયોના માધ્યમે ફક્ત વાતચીત જ નહીં ઇ-મેઇલ થઇ શકે છે તે પણ નેટની સુવિધા વગર.
હેમ રેડિયો એટલે શું? અને તે કઈ રીતે કામ કરે છે?
હેમ રેડિયોને સરળ ભાષામાં સમજીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે જેના દ્વારા વિશ્વના કોઇ પણ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર રહેતી નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. આ હેમ રેડિયો એક એવુ કોમ્યુનિકેશન માધ્યમ છે કે જે વાવાઝોડા અને ભુકંપ જેવી કુદરતી આપદામાં લોકો વચ્ચે કોમ્યુનિકેશનનું સાધન બને છે. ઉલ્લેખનીય છે કે હાલ જામનગર પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આ હેમ રેડિયો સિસ્ટમ આપાતકાલીન સ્થિતિમાં સંદેશાની આપ-લે માટે ખૂબ મહત્વની બની રહેશે.
હવે હેમ રેડિયો દ્વારા ઇ-મેઇલ અને ફોટોગ્રાફ પણ મોકલી શકાય છે?
ગુજરાતનું એક માત્ર ડિજિટલ કોમ્યુનિકેશનની સુવિધા ધરાવતું હેમ રેડિયો સ્ટેશન રાજકોટમાં છે. વિશિષ્ઠ હોબીના ભાગ રૂપે આ સ્ટેશન ઊભું કરનારા ઇન્ટરનેટની સુવિધા વગર હેમ રેડિયો દ્વારા ટેક્સટ મેસેજિંગ શક્ય બન્યું છે. આ માટે તેમને બે હોમમેડ ઉપકરણો તૈયાર કર્યા છે જેના પગલે હવે હેમ રેડિયોના માધ્યમે ફોટોગ્રાફ અને ઇ-મેઇલ મોકલી શકાય છે.
હેમ રેડિયોની અગત્યતા શું છે?
હેમ રેડિયોને સાદી ભાષામાં સમજાવીએ તો આ એક એવું વાયરલેસ ઉપકરણ છે કે, જેના દ્વારા વિશ્વના કોઇ ખૂણે વાત કરવા અને મેસેજ મોકલવા માટે વીજ પુરવઠો, સંચાર સાધનો કે નેટની જરૂર નથી. આ માટે માત્ર જરૂરી છે એક ખાસ પ્રકારનો રેડિયો, એન્ટીના અને કારની 12 વોલ્ટની બેટરી. એક દાયકા પહેલા જ્યારે ભયાનક સુનામી ત્રાટક્યું હતું ત્યારે સમગ્ર દેશની હેમ કોમ્યુનિટી ભારે મદદરૂપ બની હતી. ગુજરાતથી પણ એક ટીમ ગઇ હતી, ઉત્તરાખંડમાં જળપ્રલય આવ્યો ત્યારે પણ રાજકોટ ગુજરાતમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમના ભાગરૂપે હેમ રેડિયો ઓપરેટરોની મદદ લેવાઇ હતી. આ હોબી કેટલીક હદે રોમાંચક પૂરવાર થઇ શકે તેનું આ ઉદાહરણ છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં પણ હેમ રેડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
લાયસન્સ લેવું જરૂરી છે?
હેમ રેડિયોએ એક અનોખી ટેકનોલોજી સંલગ્ન હોબી છે. જેના માટે સરકારના કેટલાક નિયમો છે. આ માટે સંચાર મંત્રાલય વાયરલેસ પ્લાનિંગ અને ર્કોડિનેશન વિંગ દ્વારા એક પરીક્ષા લેવાયા બાદ લાઇસન્સ આપવામાં આવે છે. રાજકોટમાં છેલ્લે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા 47 લોકોને તાલીમ આપવામાં આવી હતી અને જે પૈકીના 42 લોકોએ આ પરીક્ષા પાસ કરી હતી.