અમદાવાદઃ રાજ્યમાં એક સમયે ચકચાર જગાવનારા બીટકોઈન કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે કાયમી પરંતુ શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ મુકી છે, જે મુજબ નલીન કોટડિયા તેમના ગૃહનગર અમરેલીમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ બીટકોઈન ઉપર કોઈ પણ પ્રકારનો દાવો રજૂ કરી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે બીટકોઈન કૌભાંડ
CIDની તપાસમાં બહાર આવેલી વિગત પ્રમાણે સમગ્ર બીટકોઈન કૌભાંડની યોજના નલીન કોટડિયાએ જ બનાવી હતી. કિરીટ પાલડીયા પાસેથી કોટડીયાને માહિતી મળી હતી કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે બીટકોઈન છે અને છેલ્લાં ઘણા વર્ષોમાં તેણે મોટી કમાણી કરી છે. જો શૈલેષને ઉપાડીને ધમકાવામાં આવે તો તે બીકને કારણે પૈસા આપી શકે એમ છે. આથી, નલીન કોટડીયાએ સુરતના વકિલ કેતન પટેલ ઉર્ફે ભંડેરીનો સંપર્ક કર્યો હતો. ભંડેરી અને જગદીશ પટેલ સંપર્કમાં હતા, કારણ કે જગદીશ પટેલ સુરતમાં DSP તરીતે નોકરી કરી ચુકયા હતા.


કિરીટ પાલડીયા અને કેતન પટેલે મળી કેવી રીતે શૈલેષ ભટ્ટને નિશાન બનાવી શકાય તેની યોજના બનાવી હતી. ત્યાર બાદ કેતન પટેલે અમરેલીના SP જગદીશ પટેલનો સંપર્ક કરી કામ પાર પડે તો મોટી રકમ મળશે તેવું જણાવ્યું હતું. SP જગદીશ પટેલ પણ મોટી રકમની લાલચમાં કામ કરવા તૈયાર થયા હતા. જગદીશ પટેલે પોતાના વિશ્વાસુ પોલીસ અધિકારી તરીકે ઈન્સપેકટર અનંત પટેલનને કેસ સોંપ્યો હતો અને કેતન પટેલના સંપર્કમાં રહી કામ પાર પાડવાનું નક્કી થયુ હતું. 


નક્કી થયા પ્રમાણે કિરીટી પહેલા સીબીઆઈના નામે શૈલેષને ડરાવી પાંચ કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યાર પછી શૈલેષ ભટ્ટને ઉપાડતા પહેલા ઈન્સપેકટર અનંત પટેલ, કેતન ભંડેરી અને કિરીટ પાલડીયાની ગાંધીનગર હાઈવે પાસે કોબા સર્કલ ખાતે એક મિટીંગ થઈ હતી. કિરીટ પાલડીયાએ ત્યાર બાદ શૈલેષને લોકેશન મોકલી નિધી પેટ્રોલ પંપ આવી જવાનું કહ્યું હતું. ત્યારે શૈલેષ આવી પહોંચતા અનંત પટેલે ત્યાં પહોંચી તેનું અપહરણ કરી બીટકોઈન પડાવી લીધા હતા.


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર વાંચવા અહીં કરો ક્લિક...


બીટ કોઈન આવી ગયા પછી કિરીટે પહેલા 60 બીટકોઈન મુંબઈના સંજય કોટડીયાને વહેંચ્યા હતા, ત્યાર બાદ પાંચ પાંચ બીટકોઈન વહેંચી તેણે રોકડા પૈસા લઈ લીધા હતા. આ દરમિયાન અનંત પટેલ પૈસા લેવા માટે પાંચ દિવસ સુરત રહ્યા હતા. જે પૈસા આવ્યા તેના ત્રણ ભાગ પડયા હતા જેમાં અનંત પટેલ, જગદીશ પટેલ અને નલીન કોટડીયા વચ્ચે વહેચણી થઈ ગઈ હતી.


નલીન કોટડિયાએ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
બીટકોઈન કૌભાંડમાં જગદીશ પટેલની ધરપકડ થવાની સાથે જ નલીન કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યાર પછી નલીન કોટડિયા સામેથી સીબીઆઈમાં હાજર થયા હતા અને છેલ્લા એક વર્ષથી તેઓ પોલીસ કસ્ટડીમાં હતા અને જામીન લેવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. અગાઉ સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવાયા બાદ નલીન કોટડિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આખરે હાઈકોર્ટે 3 મે શુક્રવારના રોજ નલીન કોટડિયાના શરતી જામીન મંજુર કર્યા છે. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...