અમદાવાદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનું સીધું ગણિત, બધા જ સમાજને સમાવતો ગુલદસ્તો બનાવ્યો
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ મતદાન થશે
- અમદાવાદમાં અલગ 44 સમાજના પ્રતિનિધિઓને ભાજપે યાદીમાં સમાવ્યા
- બિન ગુજરાતી 15 ઉમેદવારોને ભાજપે તક આપી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, દક્ષિણ ભારતના ઉમેદવારોને તક અપાઈ
બ્રિજેશ દોશી/અમદાવાદ :ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. તો બીજી તરફ, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી પણ આવી ગઈ છે. ચૂંટણી પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને ફાળે એક બેઠક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. ત્યારે ભાજપે કઈ બાબતોને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદ કરી, કયા જ્ઞાતિના કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા તેની માહિતી સામે આવી છે.
અમદાવાદ શહેરના ભાજપ (BJP) ના પ્રભારી આઈકે જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદમાં અલગ 44 સમાજના પ્રતિનિધિઓને ભાજપે આ યાદીમાં સમાવ્યા છે. જેમાં અનુસૂચિત જાતિની અનામત 20 બેઠકો છે. 16 સામાન્ય બેઠક પર પણ અનુસૂચિત જાતિના 16 ઉમેદવાર લડી રહ્યાં છે. અનુસૂચિત જનજાતિના 2 ઉમેદવારો મેદાનમાં છે. બધા જ સમાજને સમાવતો ગુલદસ્તો બનાવવાનો ભાજપે પ્રયાસ કર્યો છે. જેમાં ઠાકોર, પંચાલ, સુથાર, આહીર, બારોટ, નાયક, મોચી, કાઠી, કારડીયા સમાજના પ્રતિનિધિઓને તક મળી છે. તેમજ બિન ગુજરાતી એવા 15 ઉમેદવારોને તક આપવામાં આવી છે. તો રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, દક્ષિણ ભારતના ઉમેદવારોને તક અપાઈ છે.
આ પણ વાંચો : 11 વર્ષની આ સુરતી દીકરીએ રામ ભક્તિની જે મિશાલ કાયમ કરી તે ભલભલાને આશ્ચર્યમાં મૂકી દેશે
ઓબીસી અનામત વાળી 19 બેઠકો સામે 44 ઉમેદવારોને તક આપી છે. શિક્ષિત ઉમેદવારોની વાત કરીએ તો 59 ગ્રેજ્યુએટ અને LLBનો અભ્યાસ કરી ચૂકેલા 17ને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે એક ડોક્ટર અને એક PH.D થયેલા ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે.
- 12 ઉમેદવારો અનુસ્નાતક
- 59 ઉમેદવારો સ્નાતક
- 17 ઉમેદવારો કાયદાના સ્નાતક
- 4 ઉમેદવારો એન્જિનિયર
- 2 ડોકટરોને પણ ભાજપે ટિકિટ આપી છે
- જર્નાલિઝમના અભ્યાસવાળા 1 ઉમેદવારને તક આપી
- વિશિષ્ટ અભ્યાસવાળા 70 ઉમેદવારોને તક આપી
આ પણ વાંચો : મોરબી : સિરામિક કારખાનામાં લોખંડનો સંચો તૂટતા 3 લોકો કાટમાળ નીચે દબાયા, કંપનીના ભાગીદારનું મોત
ભાજપે અનેક ઉમેદવારોને રિપીટ કર્યાં છે. જેમાં રિપીટ થયેલા 38 કોર્પોરેટરો આ વર્ષે ફરી ચૂંટણી લડી રહ્યા છે. તો નવા ચહેરાઓને તક આપવાના વચનને ભાજપે પાળ્યું છે. જેમાં 154 ઉમેદવારો પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત સૌથી વધુ 78 ટિકિટ 41 થી 50ની વયના ઉમેદવારોને આપી છે. અમદાવાદના ભાજપના ઉમેદવારોની ઉંમર પર એક નજર કરીએ તો....
- 20 થી 30 વર્ષ વચ્ચેના 11 ઉમેદવારો
- 31 થી 40 વર્ષ વચ્ચેના 28 ઉમેદવારો
- 41 થી 50 વર્ષ વચ્ચે ના 78 ઉમેદવાર
- 51 થી 60 વર્ષ વચ્ચેના 75 ઉમેદવાર
ભાજપમાં ચૂંટણી પ્રચારના પડઘમ શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરશે. CM રૂપાણી અને સી.આર. પાટીલ ભાવનગરમાં સંયુકત સભા કરશે. પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવારો, ધારાસભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં બે સભાઓને CM અને પ્રદેશ પ્રમુખ સંબોધશે. મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાજપના ઉમેદવારો માટે મત માગશે. પશ્ચિમ વિસ્તારમાં બોરતળાવ બાલવાટિકા ખાતે સાંજે 6.30 કલાકે તો સાંજે 7.30 કલાકે પૂર્વ વિસ્તારમાં શિવાજી સર્કલ પાસે સભા યોજાશે.
આ પણ વાંચો : બિલ્ડરોનો સ્ટીલ-સિમેન્ટના ભાવ વધારા સામે વિરોધ, આજે 22 હજાર કન્સ્ટ્રક્શન સાઇટ બંધ રહેશે
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ભાજપના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી ચૂંટણી પંચને સોંપી છે. જેમાં 20 દિગ્ગજ નેતાઓનો સમાવેશ કરાયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવીયા, પરસોત્તમ રૂપાલા પણ ચૂંટણી પ્રચાર કરશે. ભાજપ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત 20 નેતાઓમાં અલ્પેશ ઠાકોરનો પણ સમાવેશ કરાયો છે.