Gujarat Elections 2022 : ચૂંટણી સમયે ભાજપનાં બે સાંસદ હાલ ચર્ચામાં છે. એક સાંસદની પ્રચારમાં ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી છે, જ્યારે બીજા એક સાંસદ વિરોધીઓની પ્રશંસા કરતા નજરે પડે છે. કોણ છે આ બંને સાંસદ અને શું છે તેમની આ વર્તણૂંકનું કારણ, જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાનો એક વીડિયો વાયરલ થયો છે. જેઓ પોતાનાં પ્રતિસ્પર્ધી પક્ષ બીટીપીના નેતા અને ઝઘડિયાથી ઉમેદવાર છોટુ વસાવાના વખાણ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં તેમણે કહ્યું કે, છોટુ વસાવા આદિવાસીઓ માટે વર્ષોથી કામ કરી રહ્યા છે. મીડિયા સમક્ષ ખુલાસો કરતી વખતે પણ તેઓ પોતાની આ વાતન વળગી રહ્યા, જો કે તેમાં એક ઉમેરો જરૂર કર્યો. તેમણે કહ્યું કે છોટુભાઈ જો ખરેખર લોકોના કામ કરવા માગતા હોય તો તેમણે શાસક પક્ષમાં હોવું જોઈએ કે તેનો સાથ આપવો જોઈએ.


છોટુ વસાવા જે ઝઘડિયા બેઠક પરથી ધારાસભ્ય છે, તે વિસ્તાર મનસુખ વસાવાના લોકસભા વિસ્તારમાં આવે છે. મનસુખ વસાવા ભલે છોટુ વસાવાના વખાણ કરતા હોય, પણ છોટુ વસાવા આદિવાસીઓનાં વિકાસ સહિતના મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા રહે છે.


અહીં એ પણ મહત્વનું છે કે મનસુખ વસાવાએ થોડા સમય પહેલા જ છોટુ વસાવા પર આદિવાસીઓના વિરોધી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે હવે ચૂંટણી સમયે તેમના સૂર બદલાઈ ગયા. આ ચૂંટણીમાં તેમણે પોતાની દીકરી માટે ટિકિટની માંગ પણ કરી હતી, જો કે વર્તમાન ચૂંટાયેલા સભ્યના પરિવારમાં કોઈને ટિકિટ ન આપવાના ભાજપના નિયમને કારણે આમ થઈ ન શક્યું.


બીજું કોણ
તો આ તરફ પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીની ભાજપથી નારાજગીની ચર્ચા જોરમાં છે. પાટણમાં ભાજપનાં ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં તેમની ગેરહાજરી આ વાતનો પુરાવો આપે છે. ત્યાં સુધી કે પાટણમાં પ્રધાનમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની જાહેર સભા વખતે પણ ભરતસિંહ ડાભી દેખાયા નહતા. 



તેમની નારાજગીનું કારણ ખેરાલુ બેઠક પર ભાજપના ઉમેદવાર સાથે સાંકળવામાં આવી રહ્યું છે. ખેરાલુ બેઠક પર ભરતસિંહે પોતાના ભાઈ રામસિંહ ઠાકોર માટે ટિકિટની માંગ કરી હોવાની ચર્ચા હતી. જો કે ભાજપે અહીંથી સરદારસિંહ ચૌધરીને ટિકિટ આપતા ભરતસિંહ નારાજ થયા. ઠાકોર મતદારોનું પ્રભુત્વ ધરાવતી ખેરાલુ બેઠક પર ભાજપે ચૌધરી ઉમદવાર ઉતારતા આશ્ચર્ય પણ સર્જાયું હતું. ભાજપે ટિકિટ ન આપતા રામસિંહ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. એવામાં ખેરાલુમાં તેઓ ભાજપ અને કોંગ્રેસ બંનેના ગણિત બગાડી શકે છે. કેમ કે કોંગ્રેસે પણ અહીં ચૌધરી સમાજનો ઉમેદવાર ઉતાર્યો છે. 


મહત્વનું છે કે ભરતસિંહ ડાભી 2017 માં ખેરાલુથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જો કે 2019માં તેઓ લોકસભાની ચૂંટણી જીતતા ભાજપનાં અજમલજી ઠાકોર અહીંથી ચૂંટાયા હતા. થોડા સમય પહેલા જ ભરતસિંહ ડાભીએ હવે કોઈ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. આ માટે તેમણે પાટણમાં પાણીના પ્રશ્નો ઉકેલવા સરકારની નિષ્ક્રિયતાનું કારણ આપ્યું હતું. ભાજપે આ જ કારણસર તેમનાં ભાઈને ટિકિટ ન આપી હોવાની પણ ચર્ચા છે. ત્યારે હવે જોવું એ રહેશે કે ભરતસિંહ ડાભી ખેરાલુ બેઠકના સમીકરણ બદલી શકે છે કે નહીં.