બ્રિજેશ દોશી/ગાંધીનગર :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 29 એપ્રિલથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન તેઓ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ અમદાવાદમાં મંડળ સ્તરના 7 હજાર કાર્યકરોને સંબોધન કરશે. ભાજપ અધ્યક્ષ આગામી વર્ષ સુધી ચૂંટણી આવવાની હોય તેવા તમામ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે, જે અંતર્ગત તેમણે હિમાચલ પ્રદેશ, કર્ણાટકની મુલાકાત લઈ લીધી છે અને હવે ગુજરાત આવી રહ્યા છે ત્યારબાદ રાજસ્થાનની પણ મુલાકાત લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે.પી.નડ્ડાનો ગુજરાત પ્રવાસ


  • 29 એપ્રિલે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચશે, જ્યાં બેઠકો યોજશે. કમલમ પર ભાજપના પ્રદેશ હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. તેઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને માર્ગદર્શન આપશે. ત્યાર બાદ ભાજપ અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. કમલમથી તેઓ અમદાવાદના GMDC હોલમાં 7 હજાર કાર્યકરોને સંબોધન કરશે. મંડળ સ્તરના 7 હજારથી વધુ કાર્યકરોને ચૂંટણી માટે જીતનો મંત્ર આપશે.  

  • અમદાવાદથી સાંજે તેઓ વડોદરા જશે અને એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. તેના બાદ વડોદરાથી તેઓ સુરત જશે જ્યાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે 30 એપ્રિલે સવારથી તેઓ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સાથે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં જોડાશે. દિવસભર ચાલનારા કાર્યક્રમ સુરત જિલ્લાના વિવિધ આગેવાનો, કાર્યકરો સાથે બેઠક કરશે. 

  • 1 લી મેએ ગુજરાત સ્થાપના દિવસના કાર્યક્રમમાં જોડાશે. પાટણ ખાતે થનારા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જોડાશે. 


ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનો આ પ્રવાસ ખૂબ મહત્વનો એટલા માટે રહેશે, કારણકે ગત સપ્તાહે જ ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવીને ગયા અને સંગઠન તેમજ સરકારની કામગીરીની સમીક્ષા કરી. તેમના ચૂંટણીલક્ષી આયોજનો બાદ ભાજપ અધ્યક્ષનો ગુજરાત પ્રવાસ કાર્યકરોમાં જુસ્સો વધારનારો રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને આધારે ભાજપ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવે તે માટે જે.પી.નડ્ડા માર્ગદર્શન આપશે. કાર્યકરો ઉત્સાહિત થઈને કામ કરે તે માટે પણ તેઓ વાત કરશે. દેશના સાંપ્રત મુદ્દાઓ અંગે તેઓ ચર્ચા કરશે. ભુપેન્દ્ર પટેલ સરકાર બન્યા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પહેલો પ્રવાસ છે, ત્યારે તેને સફળ બનાવવા પ્રદેશ ભાજપ કવાયત કરી રહ્યું છે અને એટલે જ તેમને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં પણ હાજર રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના આ કાર્યક્રમ હેઠળ બીજો કાર્યક્રમ સુરત જિલ્લામાં યોજવા જઈ રહ્યો છે. જેના આધારે સમગ્ર દેશમાં એક સંદેશ અપાશે.