સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, પોલીસે શરૂ કરી તપાસ
સુરતમાં ભાજપ સાથે સંકળાયેલા અને વોર્ડ નંબર 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન પટેલે આત્મહત્યા કરી છે.
ચેતન પટેલ, સુરતઃ સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે. સુરત શહેરના અલથાણામાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. 34 વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશ ભાઈ પટેલે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
શું છે માહિતી
ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ કરવામાં આવી છે.
મહિલાએ કયા કારણે આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી. આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્યકર્તા હતા અને સમાજ સેવા પણ કરતા હતા. તેમણે કહ્યું કે અમને હત્યાની આશંકા છે. તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા. તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા. જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા.
પોલીસે શરૂ કરી તપાસ
આ મહિલાએ આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.