ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ખુબ શરમજનક ઘટના ઘટી છે. લોકશાહી શર્મસાર થઈ છે. વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીનો બનાવ બન્યો છે. હંગામાની વચ્ચે ગૃહને 10 મિનિટ મોકૂફ રાખવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમને સવાલ ન પૂછવા દેવામાં આવતા આ મામલો વણસ્યો હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છૂટાહાથે મારામારી થઈ. એવો પણ આરોપ છે કે દૂધાતે પંચાલને લાફો માર્યો અને બેલ્ટથી હુમલો પણ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યો ઘટના દરમિયાન વેલમાં ધસી આવ્યાં હતાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા માઈકને પણ તોડી નાખવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યો અમરિશ ડેર અને વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. અમરિશ ડેર રાજુલાના ધારાસભ્ય છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ અને દુ:ખદ ગણાવી. અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ ભાજપના ધારાસભ્ય દ્વારા અપશબ્દો બોલવામાં આવતા મામલો બિચકાયો હતો.


ગુજરાત વિધાનસભામાં મારામારી, અલ્પેશે કહ્યું-લોકશાહીના ધબકારા મંદ પડ્યા


કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે "વિધાનસભામાં આજે જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. લોકશાહીના મંદિરમાં આ પ્રકારના વરવા દ્રશ્યો જોવા માટે હું નહતો આવ્યો. ગુજરાતના સામાન્ય લોકો માટે લડતો લડતો આવ્યો છું. ગરીબ પછાતોનો હું પ્રતિનિધિ છું. અલ્પેશ ઠાકોરે કહ્યું કે મેં સાભળ્યું હતું કે બીજેપીના કોઈ એમએલએ ગાળો બોલ્યા હતાં. આ લોકશાહી ના હોય..આ પ્રકારનો બનાવ દુર્ભાગ્યપૂર્ણ છે."


ઠાકોરે આ બનાવ અંગે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે "હું માનું છું કે આજે લોકશાહીના ધબકારા મંદ પડ્યા હશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આ જે બનાવ બન્યો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. મારું આજે ખાલી રડવાનું જ બાકી છે."