રાજ્યસભાના ભાજપના ઉમેદવારો આજે ફોર્મ ભરશે, પણ કોંગ્રેસ હજી અવઢવમાં...
- ભાજપના બંને ઉમેદવારો ભાજપના પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો, સાંસદ સભ્યો તથા ધારાસભ્યોની હાજરીમાં આજે સવારે 10.00 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના બંને ઉમેદવારો આજે ફોર્મ ભરશે. ગુજરાતમાંથી કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પહેલી માર્ચે યોજવામાં આવશે. જેના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. 1 માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે બે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં રામભાઈ મોકરીયા અને દિનેશ પ્રજાપતિને ભાજપમાંથી ટિકિટ મળી છે. જોકે, કોંગ્રેસે હજી સુધી કોઈ ઉમેદવારોની જાહેરાત કરી નથી.
આ પણ વાંચો : ‘તારા માથે પાઘડી શોભતી નથી...’ કહીને ગુજરાતમાં દલિત દીકરીનો વરઘોડો અટકાવ્યો
હવે ભાજપના બંને ઉમેદવારો ભાજપના પ્રદેશ પ્રમુખ, નાયબ મુખ્યમંત્રી, મંત્રી મંડળના સભ્યો, સાંસદ સભ્યો તથા ધારાસભ્યોની હાજરીમાં આજે સવારે 10.00 વાગ્યે ઉમેદવારી ફોર્મ ભરશે. ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઈ મૂળ પોરબંદરના વતની છે. તેમને એક દિકરી અને બે દિકરા છે. તેઓ 1976થી વિદ્યાર્થી પરિષદ, સંઘ પરિવાર અને VHP સાથે જોડાયેલા છે. તેમને વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી રૂપાણી સાથે ખૂબ જ સારા સંબંધો છે. તેઓ 1978 જનસંઘમાં જોડાયા બાદમાં ભાજપમાં જોડાયા હતાં.1989 નગરપાલિકામાં પ્રથમવાર કાઉન્સિલર બન્યા હતાં. તેઓ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય રહી ચૂક્યા છે. તેઓ પોરબંદરમાં ભાજપના અનેક હોદ્દા પર રહી ચૂક્યા છે. તેમણે પ્રથમ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે 1985માં મારૂતિ કુરિયરની શરૂઆત કરી હતી. તેઓ ખેતી સાથે સંકળાયેલા પણ છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને સાચવી લીધું છે. રામભાઈ મોકરીયાની સાથે ઉત્તર ગુજરાતમાં ભાજપના આગેવાન તથા ગુજરાત ભાજપમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ટિકિટ આપી છે. દિનેશ પ્રજાપતિ ડિસા ભાજપના આગેવાન છે.
આ પણ વાંચો : પોતાના નગ્ન ફોટો ફેસબુકમાં જોઈ યુવતીના પગ તળેથી જમીન ખસી, વર્ચ્યૂઅલ મિત્રએ જીવન બનાવ્યું નર્ક
કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત નહિ કરે - સૂત્ર
જોકે, કોંગ્રેસ દ્વારા હજી સુધી કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં જીતની આશા ન હોવાથી તે ઉમેદવાર નહિ રાખે. કારણ કે, રાજ્યસભાની ચૂંટણી માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેથી કોંગ્રેસ પાસે જીત માટે પૂરતા ધારાસભ્યોનું સંખ્યાબળ નથી. આથી કોંગ્રેસ પોતાની હાર ભાળી ગઈ છે. જેથી તે ઉમેદવારોની જાહેરાત નહિ કરે. જો કોંગ્રેસ ઉમેદવાર જાહેર નહિ કરે તો ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ વિજેતા બનશે. પહેલી માર્ચે સવારે 9થી 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીની મતગણતરી પહેલી માર્ચે સાંજે પાંચ વાગે યોજાશે.