ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલ હિંસાત્મક દેખાવોના સંદર્ભમાં નિવેદન આપતાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતિ હોવાથી કોંગ્રેસ હતાશા-નિરાશામાં હિંસા પર ઉતરી આવી છે. કોંગ્રેસના કોર્પોરેટરો માઈકો તોડે, કાચ ફોડે અને ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે તે મિડીયા દ્વારા ગુજરાતની જનતાએ જોયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરત પંડયાએ જણાવ્યું હતું કે, આ અગાઉ પણ ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ માઈકો તોડ્યા હતાં અને હિંસા કરી હતી. એ ગુજરાતની જનતા ભૂલી નથી. આજે ગાંધીનગરનાં મહાનગરપાલિકાનાં ગૃહમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ જેવી રીતે તોડફોડ કરી છે, હિંસા ફેલાવી છે. તે શરમજનક છે અને લોકશાહીને કલંકરૂપ એવું આ કોંગ્રેસનું વરવું પ્રદર્શન છે. જે કોંગ્રેસ જાતિવાદ, પ્રાંતવાદ ફેલાવીને તેમજ ઉશ્કેરીને હિંસા ફેલાવવા માટે પ્રયત્ન કર્યો છે પરંતુ તેમાં તે નિષ્ફળ રહી. 


ત્યારબાદ કોંગ્રેસે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરીને સરદાર પટેલ, દેશની એકતા અને ગુજરાતના ગૌરવનું અપમાન કર્યું હતું અને ગુજરાતમાં ઉશ્કેરાટ ફેલાવવા માટે પ્રયત્ન કર્યો તેમાં પણ કોંગ્રેસ નિષ્ફળ રહી. કોંગ્રેસે પોતાના કાર્યક્રમો, નિવેદનો અને આ પ્રકારની તોડફોડની ઘટનાઓ દ્વારા ગુજરાતમાં વેરઝેર, હિંસા, અશાંતિ ફેલાવવાના પ્રયાસો કર્યાં છે. તેને ગુજરાતની જનતાએ નિષ્ફળ બનાવ્યાં છે.


ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અને ગુજરાતની જનતા એકબાજૂ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વચ્છતા,ખાદી,અહિંસા, પ્રેમ, શાંતિ-એકતાના કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે બીજીબાજૂ કોંગ્રેસ હિંસા, વેરઝેર અને અશાંતિ કાર્યક્રમો યોજી રહી છે. તે શરમજનક છે. 


કોંગ્રેસમાં તાલુકા, જિલ્લા અને પ્રદેશ કક્ષાએ આંતરીક તીવ્ર જૂથબંધી છે. કોંગ્રેસના નેતૃત્વ સામે જ આક્રોશ છે. કોંગ્રેસ પોતાના અંદરોઅંદરના ઝઘડાને કારણે પોતાના સભ્યોને સાચવી શકતી નથી તેથી કેટલીક તાલુકા, જિલ્લા પંચાયતમાં સત્તા પરિવર્તન થયું હતું. કોંગ્રેસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે.