તેજસ મોદી/મહેસાણા: વિધાનસભાની ચૂંટણી સામે આવતા હવે પાર્ટીઓની અંદરોઅંદર ચાલતા જૂથવાદ સામે આવી રહ્યા છે. મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પી.આઈ.પટેલે શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. આ કાર્યક્રમમાં વિજાપુરના સ્થાનિક ધારાસભ્ય રમણ પટેલ ગેરહાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના રાષ્ટ્રીય કાર્યક્રમમાં તમામ લોકોને આમંત્રણ અપાયાનો પી. આઈ. પટેલે દાવો કર્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, રમણ પટેલ અન્ય કોઈ કામમાં વ્યસ્થા હશે, જેથી તેઓ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નથી. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ નીતિન પટેલ, આગેવાન સુરેશભાઈ પટેલ સહિતના અગ્રણી જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. 


પી.આઈ.પટેલના શક્તિ પ્રદર્શન મામલે ધારાસભ્ય રમણ પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પી.આઈ.પટેલના કાર્યક્રમથી ભાજપને કોઈ સંબંધ નથી. પી. આઈ. પટેલે કરેલા કાર્યક્રમથી હું અજાણ છું. હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત ભાજપનો જિલ્લામાં 12 અને 13 ઓગસ્ટે કાર્યક્રમ યોજાવવાનો છે. સાથે જ તેમણે કહ્યું કે, કોંગ્રેસથી આવેલા પી. આઈ. પટેલની ખોટુ બોલવાની માનસિકતા છે.


વિજાપુર ભાજપમાં બે ભાગ પડતા જોવા મળી રહ્યા છે. તિરંગા યાત્રાના નેજા હેઠળ ભાજપના કેટલાક નેતાઓએ રમણલાલ પટેલ સામે શક્તિ પ્રદર્શન કર્યું હોવાની વાત સામે આવી છે. વિજાપુર વિકાસ સમિતિના નેજા હેઠળ વિજાપુરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નિતિન પટેલ તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પુર્વ ધારાસભ્ય પીઆઈ પટેલને અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે સ્થાનિક ધારાસભ્ય રમણ પટેલને આમંત્રણ પણ ન અપાયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 


નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણી સામે 4 મહિના કરતા પણ ઓછો સમય બચ્યો છે ત્યારે ટીકીટ લેવાની હોડમાં તિરંગા જેવી પવિત્ર યાત્રાને પણ રાજનિતિનું માધ્યમ બનાવી રહ્યાની ચર્ચા શરૂ થઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube