Unjha APMC Election Result: ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠક અને વેપારી ભાગની ચાર બેઠકો માટે મતગણતરી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગમાં ભાજપના મેન્ડેડના પાંચ ઉમેદવારનો વિજય થયો હતો, તો અપક્ષના પાંચ ઉમેદવારોનો વિજય થયો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ભાજપની મેન્ડેડ હોવા છતાં પાંચ ઉમેદવારોની હાર થઈ હતી. દિનેશભાઈ પટેલના સમર્થક એવા તમામ 10 ઉમેદવારની વિજય થતા તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે આતાશબાજી કરી ભવ્ય જીતની ઉજવણી કરી હતી. આ સાથે જ ઈક્કોની ચૂંટણી પછી એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડ ઊંઝા એપીએમસીમાં પણ ભાજપના મેન્ડેટનું કચ્ચરઘાણ નીકળી ગયું હોય એવો ઘાટ જોવા મળ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારી વિભાગમાં ભાજપના એક જ ઉમેદવારનો વિજય
એવી જ રીતે વેપારી વિભાગમાં ચાર બેઠકો માટે ભાજપના મેન્ડેડ હોવા છતાં એક જ ઉમેદવારનો વિજય થયો હતો અને અન્ય ત્રણ બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડનાર ત્રણ ઉમેદવારોનો વિજય થયો હતો. આ સાથે જ ભાજપમાં જાણે જબરજસ્ત યાદવાસ્થળી જામી હોય તેમ હારિજ, બહુચરાજી અને વિજાપુર એપીએમસી પછી ઊંઝાએ પાંચમી સહકારી સંસ્થા છે કે જ્યાં ભાજપે મેન્ડેટ આપીને ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં 14 મતદારો પૈકી આઠ મતદારોને કારમી હાર મળી છે. 


ઊંઝા એપીએમસીમાં ફરીવાર દિનેશ પટેલનો દબદબો
ઊંઝા એપીએમસી ચૂંટણીના પરિણામને જોતા ઊંઝા એપીએમસીમાં ફરીવાર દિનેશ પટેલનો દબદબો યથાવત જોવા મળ્યો હતો. પ્રતિષ્ઠાનો જંગ બનેલી એવી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં પૂર્વ મંત્રી નારણભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલના ઉમેદવારોની કારમી હાર થઈ હતી. જેના કારણે આંતરીક જુથવાદ, ખેંચતાણ કરે રાખતા 162 ધારાસભ્યો અને 25 સાંસદો ધરાવતા ભાજપમાં જબજસ્ત રાજકારણ ગરમાયુ છે.


સિટિંગ ધારાસભ્ય કિરીટ પટેલના પાંચ ઉમેદવારોની હાર
ઊંઝા APMC એશિયાની સૌથી મોટું માર્કેટ ગણાય છે. ત્યારે કરોડોના વેપારને હસ્તક કરવા મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ જે મંડળીના પ્રમુખ છે, તેમના જ એક સભ્યને આ ચૂંટણીમાં ઉતાર્યા હતા. આ સિવાય ભાજપના મેન્ડેટ ધરાવતા બે સમર્થકો ચૂંટણી મેદાનમાં હતા છતાં તેમનો કારમો પરાજય થયો છે. આ સિવાય સરકારમાં મંત્રી રહેલા APMCના ચેરમેનપદને સંભાળનારા નારાયણભાઈ એલ પટેલના પૌત્ર સુપિત પટેલની પણ હાર થઈ છે. વેપારી અને ખેડૂત બન્ને વિભાગમાં ભાજપનું મેન્ડેટ અપાવનારા સિટિંગ ધારાસભ્ય કિરીટ પટેલના પાંચ ઉમેદવારોની પણ આ ચૂંટણીમાં ભૂંડી હાર થઈ છે. 


ઈક્કોની ચૂંટણીમાં પણ ભાજપના બૂરા હાલ!
ઉલ્લેખનિય છે કે, ઈક્કોની ચૂંટણીમાં પણ ભાજપના આ હાલ થયા હતા. એપ્રિલ- મેમાં બિપીન પટેલે પોતાના નામનો મેન્ડેટ જાહેર કરાવીને પૂર્વ મંત્રી જયેશ રાદડીયા સામે ઉમેદવારી કરી હતી. ત્યારે પણ પીન પટેલની હાર થઈ હતી, ત્યારથી ભાજપમાં મેન્ડેટના વળતા પાણી શરૂ થઈ ગયા છે. સહકારથી લઈ સરકારને સંગઠનમાં અંદરખાને તડા પડતા યાદવાસ્થળીએ માજા મુકી છે.