ખેડૂતોની હાલત કફોડી: બોટાદના ખેડૂતોનો પાણીના અભાવે સતત ત્રીજી વાર પાક નિષ્ફળ
બોટાદના લીંબાળી ગામ અને આજુ બાજુના 30થી35 જેટલા ગામડાઓમાં માત્રને માત્ર વરસાદ ઉપર ખેતી થાય છે.
રધુવીર મકવાણા/બોટાદ: રાજ્યના અનેક ગામડાઓમાં સિંચાઇની કોઇ સુવિધા ન હોવાના કારણે ખેડૂતોને ચોમાસુ વાવેતર પર નિર્ભર રહેવું પડે છે. બોટાદના લીંબાળી ગામ અને આજુ બાજુના 30થી35 જેટલા ગામડાઓમાં માત્રને માત્ર વરસાદ ઉપર ખેતી થાય છે. આ ગામના લોકો મુખ્યત્વે કપાસ, મગફળી અને તલનું વાવતેર કરે છે. ત્યારે આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આશાએ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. પરંતું ઓછો વરસાદ અને વરસાદ મોડો થતા પહેલી વાવણી નિષ્ફળ થઇ હતી.
બીજી વાર પણ ખેડૂતો દ્વારા સારા વરસાદ પડશે તેવી આશાએ વાવણી કરી હતી. જો કે બીજી વાર પણ વાવણી નિષ્ફળ જતા ખેડૂતો ઉપર તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવું લાગ્યું રહ્યું છે. ખેડૂતો દ્વારા ત્રીજી વાર વાવણી કરવામાં આવી હતી. પણ કુદરત જાણે ખેડૂત ઉપર નારાજ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ત્રીજી વાર કરેલી વાવણીમાં પાક તો ઉભો થયો પણ હવે વરસાદ ન હોવાના કારણે ખેડૂતોનો પાક બળી રહ્યો છે. તેમજ આ ગામડાઓમાં પડેલા અપૂરતા વરસાદ અને ડેમ ખાલી ખમ હોવાના કારણે પીવાના પાણી માટે પણ લોકોને તકલીફ પડે છે અને દુર દુર પાણી ભરવા જવું પડે છે.