Gujarat BJP Leaders Arrest in Liqour Case: વાહ રે ભાજપના નેતાજી! દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરવા લાગ્યા, એમને એમ કે કેસરિયો પટ્ટો ધારણ કરો તો ખુલ્લી છૂટ. એવું હશે કે ભાજપ-ભાજપ કરીને નીકળી જોઈશું. આપણે તો ભાજપવાળા છીએ તો આપણને તો કોણ રોકશે? ભાજપવાળા પર હાથ નાંખવાની કોની હિંમત છે? પણ ભાજપના નેતાજીનું આખુંય ગણિત ઉંધું પડ્યું અને રસ્તા પર ઉભેલાં મામાએ પકડી પાડ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીના ગુજરાતમાં દારૂ બેફામ પિવાય છે અને વેચાય પણ છે. સૌથી વધારે મલાઈ આ ધંધામાં હોવાથી હવે કેસરી ખેસ પહેરેલા નેતાઓ પણ આ ધંધામાં ઝંપલાવવા લાગ્યા છે કે આ ધંધા માટે કેસરિયો પહેરવા લાગ્યા છે. ભાજપના નેતાઓ આ પહેલાં પણ આ વ્યવસાયમાં પકડાઈ ચૂક્યા છે. ઘણા લોકો એમ માને છે કે કેસરી દુપટ્ટો ગાડી આગળ ભરાયેલો હશે તો પોલીસ રોકશે કે ટોકશે નહીં પણ અહીં તમે પોલીસની મરજી સિવાય કંઈ પણ કરી શકતા નથી. નેતાજીને એમ કે પોલીસ તો ખિસ્સામાં છે પણ મામા એમની રાહ જોઈને જ ઉભા હતા. આ કેસની વિગતો એવી છે કે પોલીસને બાતમી મળી હતી કે,  રાજસ્થાનથી દારૂનો જથ્થો ભરીને એક ગાડી ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે આવી રહી છે. જેથી પોલીસે બાતમીને આધારે આવેલી ગાડીને રોકી હતી. 


દારૂ સાથે પોલીસે ગાડીનું પાઇલોટિંગ કરી રહેલા ડેસર તાલુકાના વરસડા ગામના અને ખેડા જિલ્લાના ભાજપ યુવા મોરચાના મંત્રી સહિત ચાર શખ્સોને ઝડપી પાડયા હતાં. પોલીસે બીયરનો મોટો જથ્થો અને કાર મળી કુલ રૂપિયા 4.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકરણમાં ભાજપના નેતાજીને એમ કે પોલીસ તો અમારા ખિસ્સામાં છે પણ અહીં પોલીસે નેતાજીને એમની ઔકાત દેખાડી દીધી હતી. 


જુઓ આ વીડિયોઃ
 



 


પૈસા લેવા રોકાયા અને ભરાયા-
રાજસ્થાનથી એક દારૂની પેટીઓ ભરેલી એક ગાડી આવી છે. જે ગાડી ગળતેશ્વર બ્રિજથી પસાર થઇ વરસડા ગામની સીમમાં મહી નદીના કોતરોમાં ખાલી થઈ થઈ રહી છે.  ડેસર પોલીસને આ બાતમી મળતાં જ તે એલર્ટ બની ગઈ હતી. પોલીસે વરસડા ક્વોરી આવાસ નજીક મહી નદીના કોતરોમાં તપાસ કરતાં પોલીસને એક બલેનો કાર મળી આવી છે. જેમાં 3 વ્યક્તિઓ બેઠેલી હતી. જેઓની અડધી રાતે હાજરી અંગે પોલીસે પૂછપરછ કરતાં તેઓ જવાબ આપવામાં ગેંગેં ફેફે થઈ ગયા હતા. આખરે તેમને કબૂલ્યું હતું કે એક દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરીને તેઓ અહીં આવ્યા છે. ગાડી આવે છે અને અમે રૂપિયા લેવા માટે અહીં ઉભા છીએ.


પોલીસને કારનું પાયલોટિંગ કરનારા મળી જતાં પોલીસે ફરી મહી નદીની કોતરોમાં તપાસ કરતાં 1.42 લાખ કિમતના 1143 બીયરના ટીન મળ્યા હતાં. આખરે પોલીસે પકડાયેલા ત્રણેયની ઓળખ પૂછપરછ શરૂ કરતાં ઇશ્વર મોહનભાઇ પરમાર (રહે.મોર્ડન હાઇસ્કૂલ બાજુમાં, સેવાલીયા, તા.ગળતેશ્વર, જિલ્લો ખેડા), અલ્પેશ રમણભાઇ સોલંકી (રહે.ચોરાવાળું ફળિયું, અગાડી, તા.ગળતેશ્વર) અને મહેશ ઉર્ફે અજય જેણાભાઇ પરમાર (રહે.ઇન્દિરાનગરી, સેવાલીયા) હોવાનું પોલીસને જાણવા મળ્યું  હતું. 


વચ્ચે કટકી લેવાના હતા-
રાજસ્થાનના છાપરીયાથી દિપુરાજ નામનો શખ્સ કારમાં દારૂ લઇને ગળતેશ્વર આવ્યો હતો. જેને ભાજપના નેતાજીનો સંપર્ક કરતાં તેઓ વચેટિયા બનીને એક દારૂનો જથ્થો વરસડા ગામના નવઘણ ભરવાડને આપવા આવ્યા હતા. એમને એમ કે કેસરિયો ખેસ પહેરી લીધો છે તો પોલીસનો શું ડર... તેઓએ દારૂના વેપારી અને બુટલેગર વચ્ચે કટકી વ્યવહાર કરવાનો હતો. પોલીસે આ પ્રકરણમાં નવઘણ ભરવાડની પણ ધરપકડ કરી છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે નેતાજીએ પાયલોટિંગ કરીને આ પહેલાં કયા કયા બુટલેગરને માલ પહોંચાડ્યો છે.  ડેસર પોલીસના  હાથે ઝડપાયેલો ઇશ્વર પરમાર ખેડા જિલ્લા યુવા મોરચાનો મંત્રી છે. દારૂના કેસમાં તેનું નામ ખૂલતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખે તેને તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો. આ ઉપરાંત અગાઉ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ હતો પરંતુ ઠાકોર સેનાના પ્રમુખે તેને તા.૫ સપ્ટેમ્બરના રોજ ઠાકોર સેનાના તમામ હોદ્દાઓ પરથી દૂર કરી દીધો હતો. આમ નેતાજી હવે ભાજપમાંથી ઘરભેગા થઈ ગયા છે.