ચેતન પટેલ, સુરત: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં આજે મૌની અમાવસ્યાનું સ્નાન હતું પરંતુ ગંગાના પવિત્ર સ્નાન માટે ઉમટેલી ભીડના કારણે ભાગદોડ મચી અને તેના પરિણામ સ્વરૂપે અનેક લોકોના મોતની આશંકા છે. મૌની અમાવસ્યાના અમૃત સ્નાનના કારણે ભીડનું દબાણ વધતા મેળા પ્રશાસને લોકોને પાછા મોકલવા પડ્યા. આ ભાગદોડ બાદ આજનું અમૃત સ્નાન રદ કરાયું છે. આ બધા વચ્ચે સુરતના વેપારીના અચાનક મોતના સમાચાર સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ સુરતના વાડીફળિયામાં રહેતા જરીવાલા પરિવારનો પુત્ર આકાશ જરીવાલા પત્ની સાથે અયોધ્યાના દર્શને ગયો હતો. તીર્થયાત્રાએ નીકળેલા આકાશ જરીવાલાએ અનંતની વાટ પકડી લેતા પરિવાર ઘેરા શોકમાં ડુબી ગયો છે. ભારે ભીડ વચ્ચે દર્શન માટે પહોંચેલા આકાશ ત્યાં જ ઢળી પડ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમતે આકાશભાઈને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમણે મૃત ઘોષિત કર્યા હતા. 


અત્રે જણાવવાનું કે મહાકુંભના કારણે પ્રયાગરાજની સાથે સાથે અયોધ્યામાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતનો જરીવાલા પરિવાર પણ અયોધ્યાના દર્શને ગયો હતો. પરંતુ આ તીર્થયાત્રા આકાશ જરીવાલાની અંતિમ તીર્થયાત્રા બની રહી. મોતનું કારણ જો કે હજુ સામે આવ્યું નથી.