વ્યાજખોરોનાં ત્રાસથી વેપારી ઘર છોડી જતા રહેતા ઓઢવમાં ફરિયાદ, બેની ધરપકડ
વ્યાજખોરોએ છેલ્લા 6 મહિનાથી વેપારી જગદીશ પટેલ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને તેમને માનસિક, શારીરિક ત્રાસ ગુજારીને 20 ટકાના દરે પૈસાની વસુલાત શરૂ કરી હતી. આરોપીઓએ રૂપિયાના બદલામાં વેપારી પાસેથી તેમનું મકાન, ગાડી અને સોનાના દાગીના પણ પડાવી લીધા હતા.
મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદનાં ઓઢવ વિસ્તારના એક વેપારી વ્યાજખોરીનો ભોગ બન્યો અને વ્યાજના ચક્કરમાં ફસાયા બાદ આખરે 6 વ્યાજખોરો વિરુધ્ધ નોટ લખી પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી વ્યાજખોરોનો આતંક એટલી હદે વધ્યો હતો કે વેપારી ઘર છોડવા મજબુર બન્યા હતા. ઓઢવ પોલીસે આ અંગે 6 વ્યાજખોરો સામે ગુનો નોઁધી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા તેજેન્દ્ર ઈન્સ્ટ્રીયલ એસ્ટેટમાં 85 નંબરનું કારખાનુ ધરાવતા જગદીશ પટેલ નામના એક વેપારીએ ધંધામાં જરૂર પડતાં વ્યાજખોરો પાસેથી પૈસા લીધા હતા. વ્યાજખોરોએ છેલ્લા 6 મહિનાથી વેપારી જગદીશ પટેલ પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને તેમને માનસિક, શારીરિક ત્રાસ ગુજારીને 20 ટકાના દરે પૈસાની વસુલાત શરૂ કરી હતી. આરોપીઓએ રૂપિયાના બદલામાં વેપારી પાસેથી તેમનું મકાન, ગાડી અને સોનાના દાગીના પણ પડાવી લીધા હતા.
સોલામાં એક વ્યક્તિનું અપહરણ, 3 પકડાયા પણ મામલો ગુંચવાયો
આટલું લઈ લીધું તેમ છતાં વ્યાજખોરોનો આંતક ન અટકતાં જગદીશ પટેલ ગઈકાલે બપોરે 3 વાગ્યા પછી પોતાની ઓફિસમાં સ્યુસાઈડ નોટ લખીને ઘરેથી જતા રહ્યા હતા. આ અંગે પોલીસે સુનિલ યાદવ, મનિશ પટેલ, ભાવિન, મનીભાઈ બાગડી, પ્રવિણ પટેલ અને વિષ્ણુભાઈ નામના વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી છે. જેમાંથી પોલીસે પ્રવિણ પટેલ અને મનિષ પટેલની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર વ્યાજખોરોની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના ઘણા પોલીસ મથકોમાં વ્યાજખોરો વિશે સંખ્યાબદ્ધ ફરિયાદો નોંધાઈ છે, પરંતુ પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાથી અને કાયદામાં રહેલી નબળાઈના કારણે અનેક આરોપીઓ ઝડપથી છુટી જાય છે. શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ઓઢવ કેસમાં ફરાજ 4 આરોપીઓ ક્યારે પકડાય છે અને આ આરોપીઓ સામે કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહેશે.
જૂઓ LIVE TV....