સોલામાં એક વ્યક્તિનું અપહરણ, 3 પકડાયા પણ મામલો ગુંચવાયો

પત્નીએ પતિના અપહરણની ફરિયાદ કરી હતી, પરંતુ પતિ મીડિયા સમક્ષ કંઈક જુદું જ નિવેદન આપી રહ્યો છે 
 

સોલામાં એક વ્યક્તિનું અપહરણ, 3 પકડાયા પણ મામલો ગુંચવાયો

મૌલિક ધામેચા / અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં એક વ્યકિતના અપહરણ બાદ છુટકારાની ઘટના સામે આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે, આ મામલે અત્યારે તદ્દન વિરોધાભાસી નિવેદનો સામે આવતાં પોલીસ પણ ગુંચવાઈ ગઈ છે. 

સોલા વિસ્તારમાં એક પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિ નિલેષ વ્યાસનું અપહરણ કરવામાં આવ્યું છે. મહિલાએ તેના પતિનું અપહરણ કરનારી વ્યક્તિના નામ અને વિગતો પણ જણાવી હતી. જેના આધારે પોલીસે શોધખોળ કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જુનાગઢના રહેવાસી જગદીશ ચાવડા સહિત ત્રણ લોકોએ નિલેષ વ્યાસનું અપહરણ કર્યું હતું. તમામ આરોપીઓ પકડાઈ ગયા છે. 

ફરિયાદી મહિલા કાજલ બેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ક્રિકેટના સટ્ટાની લેતી-દેતીમાં આરોપીઓ તેના પતિ પાસે રૂ. 15 લાખ માગી રહ્યા હતા. આ ચૂકવી ન શકતાં આરોપીઓએ તેના પતિનું આજરોજ અપહરણ કર્યું હતું. 

જોકે, પોલીસે જ્યારે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા ત્યારે જેનું અપહરણ થયું હતું તે વ્યક્તિ નિલેષ વ્યાસ કંઈક જુદું જ નિવેદન આપી રહ્યો છે. નીલેષે જણાવ્યું કે, તેણે આરોપીઓ પાસેથી રૂ.15 લાખ વગર વ્યાજે ઉછીના લીધા હતા. પૈસા લીધા બાદ તે જૂનાગઢ છોડીને અમદાવાદ રહેવા આવી ગયો હતો. આથી, આરોપીઓ તેને મળવા આવ્યા હતા અને તે તેમની સાથે ગયો હતો. તેણે ધંધા માટે પૈસા ઉછીના લીધા હતા, ક્રિકેટના સટ્ટા જેવી કોઈ વાત નથી. આરોપીઓ સાથે ગયા પછી આવતાં મોડું થઈ જતાં મારી પત્નીએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.  

આમ, એક તરફ અપહરણ અંગેની ફરિયાદ પત્ની એ જ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ખરેખર આ અપહરણ પાછળ ક્રિકેટ સટ્ટો જવાબદાર છે કે પછી અન્ય કોઈ કારણ છે? હાલ પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

જૂઓ LIVE TV.... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news