દોગલો વ્યવહાર! મૂરતિયાં બનાવીને પોંખ્યા, પહેલીને છોડતાં ન પૂછ્યું અને બીજીને પૈણવા મંજૂરી લેવા જશે
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની રાજનીતિ માટે મોટા સમાચારઃ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ચાવડા કેમ જવા માંગે છે ભાજપમાં? શું ભાજપ ચાવડાને આપશે લોકસભાની ટિકિટ?
C.J.CHAWADA: પક્ષપલટુ નેતાઓ ન કોઈના થયા અને ન કોઈના થશે.. બાળકોના મોતનો મલાજો ન જાળવનાર ધારાસભ્ય આજે હરખપદૂડા થઈને રાજીનામું આપી આવ્યા...કહેવાય છે કે સી. જે. ચાવડાને કોંગ્રસમાંથી રાજીનામું અપાવવા પાછળ જયરાજસિંહનો હાથ છે. પક્ષપલટો કરવો, પાર્ટી બદલવી એ નવાઈની વાત નથી પણ આજે ગુજરાતમાં ગમગીનીભર્યા વાતાવરણ વચ્ચે પણ ચાવડાએ ગાંધીનગર દોડી જઈને ઉતાવળમાં રાજીનામું આપી દીધું છે. એક સમયે પોતાને અર્જુંન સાથે સરખાવીને કૌરવોનો નાશ કરવાની વાતો કરનાર આજે ચાવડા આજે પીએમ મોદી અને અમિત શાહના એકાએક ગુણગાન કરવા લાગ્યા હતા.
એવી પણ ચર્ચા છે કે સી. જે. ચાવડા કોંગ્રેસને છોડીને 80 નેતાઓની લાઈનમાં જોડાવવાના છે. હવે સમય જ બતાવશે કે સી.જે. ચાવડા વિજાપુરની પેટાચૂંટણી લડીને કેબિનેટ મંત્રી બને છે કે નહીં...અગાઉ જવાહર ચાવડા તેમજ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)ને પણ મંત્રી બનાવ્યા હતા અને પછી ચૂંટણીમાં પત્તુ કાપી નંખાયું હતું. ચાવડા બાવળિયા અને રાઘવજીની માફક ટકી જાય છે કે જવાહર અને હકુભાની માફક કપાઈ જાય છે એ તો સમય જ કહેશે? હાલમાં જવાહર ચાવડાએ દ્રાક્ષ ખાટી લાગી રહી છે પણ ચાવડાએ આ દ્રાક્ષ ચાખવાના અભરખા જાગ્યા છે.
લોકસભામાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતવા માગે છે અને એ માટે વિરોધપક્ષના કદાવર નેતાઓને પક્ષપલટાઓ કરાવી રહી છે. આ માટે કમિટી પણ બનાવાઈ છે. ભૂપત ભાયાણી, ચિરાગ પટેલ બાદ હવે આ લાઈનમાં કોંગ્રેસના કદાવર નેતા ગણાતા સી. જે. ચાવડા લાઈનમાં જોડાયા છે. ચાવડા એ કુશળ રણનીતિકાર છે કારણ કે તેઓ સરકારી અધિકારી હતા. શંકરસિંહ વાધેલા એમને રાજકારણમાં ખેંચી લાવ્યા હતા. સી. જે. ચાવડાને કોંગ્રેસે ઘણું આપ્યું હોવા છતાં હવે તેમને કોંગ્રેસ એ બોજરૂપ લાગી રહી હોવાથી હવે તેઓ ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. ચર્ચા એવી છે કે, એમને લોકસભા લડાવાય તો બીજી ચર્ચા એ પણ છે કે તેઓ ફરી વિજાપુરની સીટ પરથી ભાજપના સિમ્બોલ પર ચૂંટમી લડી ફરી સરકારમાં મંત્રી બનશે. આ જો અને તો જેવી વાત છે.
ચાવડા ફરી વિજાપુરમાં ભાજપમાંથી ઉભા રહે અને અહીં ફરીથી વન વે જીતી જાય એવી વિજાપુરની સીટ નથી. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ બંને પોતાનો દાવો કરી શકે છે. અહીં જૂના જોગી રહેલા ભાજપના નેતાઓ માટે તો પાર્ટીના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય તેવો ઘાટ ઘડાય... એક સમયે ચાવડાને હરાવવા માટે પ્રયાસો કરનારને ચાવડાને જીતાડવાના પ્રયાસો કરવા પડે એ થોડું અઘરું છે પણ આ તો ભાજપ છે. ગુજરાત ભાજપમાં કોઈ પણ માટે લાલજાજમ પથરાઈ જાય એ નવાઈ નહીં....
સી.જે. ચાવડાએ ભાજપને ભાંડવામાં કંઈ બાકી રાખ્યું નથી. ગાંધીનગરની સીટ પરથી આ ચૂંટણીમાં હાર દેખાતાં તેઓ પોતાના વતન દોડી ગયા હતા. કોંગ્રેસે વિના કકળાટે ટિકિટ આપી પણ દીધી હતી. લોકસભાની ચૂંટણી સમયે અમિત શાહ સામે હારનાર સી. જે. ચાવડા સમજી ગયા હતા કે હવે ગાંધીનગરની સીટ પર એમના દાળ ગળશે નહીં એટલે જ તેમને વિજાપુરની સીટથી ઝંપલાવ્યું હતું અને જીતી પણ ગયા હતા. ચાવડાએ વિજાપુરના મતદારો સાથે દોગલો વ્યવહાર કર્યો છે. જે મતદારોએ તેમને મૂરતિયા બનાવીને પોંખ્યા અને જીતાડી દઈ ગાંધીનગર મોકલ્યા એ મતદારોને પૂછ્યા વિના ચાવડાએ આજે રાજીનામું આપી દીધું છે.
હવે સી. જે. ચાવડા એમ કહી રહ્યાં છે કે, હવે મારા મતદારો કહેશે એમ કરીશ. જે જનતાએ તમને જીતાડીને મોકલ્યા હતા હવે તમે બીજીવાર તમારુ નસીબ અજમાવવા માગો છો તો ફરી એ જ પ્રજા શા માટે તમને જીતાડશે એ સૌથી મોટો પ્રશ્ન છે. આ તો પહેલીને છોડતાં ન પૂછ્યું અને બીજીને પૈણવા માટે મંજૂરી લેવા જેવી બાબત છે. સી. જે ચાવડાએ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસ છોડી દીધી છે હવે ભાજપ ક્યારે લાલજાજમ પાથરે એની રાહ જોઈ રહ્યાં છે પણ હાલમાં ના પાડતા ચાવડા આગામી દિવસોમાં ભાજપમાં જોવા મળે તો નવાઈ નહીં...