કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરવા દરમિયાન જાન્યુઆરી 2022માં જીવ ગુમાવતનારા ગુજરાતી પટેલ પરિવારના કેસમાં આરોપી બનાવવામાં આવેલા 2 લોકો વિરુદ્ધ 18 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે. મૃતકોમાં જગદીશ પટેલ, પત્ની વૈશાલી પટેલ, અને તેમના બે બાળકો 11 વર્ષની વિહાંગી અને ત્રણ વર્ષના ધાર્મિકનો સમાવેશ થાય છે. તાપમાન -38 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાના કારણે તેઓ ભીષણ ઠંડીનો ભોગ બન્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંનેએ પોતાને નિર્દોષ ગણાવ્યા
બંને આરોપીઓ પર અમેરિકામાં માનવ તસ્કરી અભિયાનનો ભાગ હોવાનો આરોપ લાગ્યો છે. બંનેએ જો કે પોતાને નિર્દોષ ઠેરવ્યા છે. કથિત માનવ તસ્કરીનું કામ કરવાના આરોપી બે વચેટિયા દલાલો હર્ષકુમાર પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને સ્ટિવ સેન્ડ સામે 18 નવેમ્બરથી ટ્રાયલ શરૂ થશે. અત્રે જણાવવાનું કે હર્ષકુમાર પટેલ એટલે કે ડર્ટી હેરી અમેરિકાથી કેનેડામાં લોકોને ગેરકાયદે ઘૂસણખોરી કરાવવાના મામલે મુખ્ય સૂત્રધાર હતો અને સ્ટિવ સેન્ડ ડ્રાઈવર હતો જેને હર્ષ પટેલે મદદ માટે નોકરીએ રાખ્યો હતો. મિનિસોટામાં વેન સુધી પહોંચવાની આશામાં પરિવાર રાતે પણ પગપાળા ચાલી રહ્યો હતો. 


સેન્ડ કેનેડામાં પોતાના સહયોગીઓને એ સુનિશ્ચિત કરવા માટે ચેતવણી આપી હતી કે તમામ લોકો ખતરનાક પરિસ્થિતિઓ માટે તૈયાર રહે. ફેડરલ પ્રોસિક્યુટર્સે કહ્યું કે પાંચ અઠવાડિયા સુધી બંનેએ સાથે કામ કર્યું હતું. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ હંમેશા કડકડતી ઠંડી વિશે વાત કરતા હતા. સેન્ડે પોતાની ગત મુસાફરી વખતે સંદેશો મોકલ્યો હતો કે 16 ડિગ્રી  ઠંડી નરક સમાન છે. 19 જાન્યુઆરી 2022ના રોજ સેન્ડે પટેલ પરિવાર સહિત 11 અન્ય ભારતીયોને રિસિવ કરવાના હતા. જેમાંથી ફક્ત 7 બચ્યા હતા. કેનેડિયન અધિકારીઓને આ પરિવારના તમામ સભ્યો મૃત અવસ્થામાં મળ્યા હતા. 


ગુજરાતનો પરિવાર
જીવ ગુમાવનારો આ પરિવાર ગુજરાતના ડિંગુચા ગામનો હતો. ગામના ગલીઓ  કેનેડા, ઓસ્ટ્રેલિયા, અને અમેરિકા જવાની જાહેરાતોથી ભરેલી છે. પરિવારની જીવલેણ મુસાફરી અહીંથી જ શરૂ થઈ. 39 વર્ષના જગદીશ પટેલ ડિંગુચામાં મોટા થયા. પરિવાર સંપન્ન હતો. આખો પરિવાર ગુજરાતમાં સારી રીતે જીવતો હતો. આ ગામથી અનેક લોકોએ પલાયન કર્યું છે. લોકો ખેતરો વેચીને તસ્કરોના માધ્યમથી વિદેશ જવા માંગતા હોય છે. 


30 સપ્ટેમ્બર સુધીમાં યુએસ બોર્ડર પેટ્રોલે કેનેડાની સરહદ પર 14000થી વધુ ભારતીયોની ધરપકડ કરી. પ્યુ રિસર્ચ સેન્ટરનું અનુમાન છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા  ભારતીયોની સંખ્યા 725,000 થી વધુ હોઈ શકે છે. તે મેક્સિકન અને અલ સાલ્વાડોર બાદ સૌથી વધુ છે. તસ્કર લોકોને જણાવે છે કે અમેરિકા જવું ખુબ સરળ છે. આવી જાળમાં જ લોકો ફસાય છે. ગુજરાતનો આ પરિવાર પણ સારું જીવવાની ચાહતમાં અમેરિકા જવા માંગતો હતો પરંતુ ભીષણ ઠંડીમાં આખો પરિવાર ફ્રીઝ થઈ ગયો અને મોતના મુખમાં સમાઈ ગયો. 


ગુજરાતીઓની વિદેશ જવાની લ્હાય
સરકાર ગમે તેવા કાયદા બનાવી લે કે પછી પોલીસ ગમે તેટલી ભીંસ વધારી દે, ગુજરાતીઓનું બે નંબરમાં અમેરિકા જવાનું કદાચ ક્યારેય બંધ નહીં થાય. આ ધંધામાં એજન્ટોને તો તગડી કમાણી છે જ, પરંતુ જે લોકો જીવનું જોખમ લઈને અમેરિકા જાય છે તે લોકો પણ ત્યાં સેટલ થયા બાદ સારું એવું કમાઈ લેતા હોય છે. એક સામાન્ય તારણ અનુસાર, બે નંબરના રુટમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ઓછું ભણેલા અને અનસ્કીલ્ડ હોય છે. તેઓ ભારતમાં પણ કંઈ ખાસ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. તેવામાં અમેરિકામાં ફુડ ડિલિવરી કે પછી નાના-મોટા સ્ટોર્સ, પેટ્રોલપંપ કે અન્ય જગ્યાઓ પર કામ કરી આ લોકો સારી એવી કમાણી કરતા હોય છે. જોકે, અમેરિકા પહોંચીને પણ રિસ્ક ઝીરો થઈ જાય છે તેવું જરાય નથી. પરંતુ ત્યાં સહી-સલામત પહોંચવું તે કોઈ નાની અને સરળ વાત નથી. ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા એક વ્યક્તિને અમેરિકા પહોંચવામાં ક્યારેક છ મહિનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે.