માણસો બાદ હવે ટ્રેનો પર રખડતા ઢોરોનો કહેર, ત્રણ દિવસમાં 3 અકસ્માત
Train Accident In Gujarat : ત્રણ દિવસમાં ગુજરાતમાં રખડતા ઢોરોને કારણે 3 ટ્રેનને અકસ્માત નડ્યા, આ અકસ્માત જો વધુ ગંભીર હોત તો અનેક મુસાફરોનો જીવ જઈ શક્યો હોત, પરંતુ છતા ગુજરાતમાં હજી પણ રખડતા ઢોર અંગે કોઈ પગલા લેવાતા નથી
રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતમાં રખડતા ઢોરોનો આતંક હવે કાબૂ બહાર ગયો છે. અત્યાર સુધી તો રખડતા ઢોરો માણસો પર હુમલો કરતા હતા, હવે રખડતા ઢોરોનો કહેર ટ્રેનો પર વરસી રહ્યો છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી રખડતા ઢોર ગુજરાતમાં દોડતી ટ્રેનો પર ભારે પડી રહ્યાં છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી રખડતા ઢોર ટ્રેન સાથે ભટકાઈ રહ્યા છે. વંદેભારત ટ્રેન બાદ આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની આડે ઢોર આવ્યા હતા.
આજે આણંદથી નડિયાદ તરફ જતી ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનની વચ્ચે ઢોર આવ્યું હતું. સુપરફાસ્ટ ટ્રેન મુંબઈથી અમદાવાદ જઈ રહી હતી, તે દરમિયાન આ ઘટના બની હતી. વંદે ભારત ટ્રેનનો ગઈકાલે જ્યાં અકસ્માત થયો હતો તે જ ટ્રેક પર આજે ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેન સાથે ઢોર અથડાતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઢોર ટ્રેન નીચે કપાતા રેલ વ્યવહારને અસર થઈ હતી. અકસ્માત બાદ થોડીકવાર માટે ટ્રેન રોકાઈ હતી, જેના બાદ ટ્રેન ફરીથી શરૂ થઈ હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું, સરકારે સ્વીકારી માંગણીઓ
રેલવે મંત્રીનું નિવેદન
આ અકસ્માતો પર રેલવે મંત્રીએ ખુલાસો કર્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, રેલવે ટ્રેક પર પશુઓ સાથે ટ્રેનની અથડામણ અંગે અમે નોંધ પહેલાથી લીધી હતી અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનની ડિઝાઈન કરતી વખતે તેને ધ્યાનમાં રાખવામાં આવેલ છે.
વંદેભારત ટ્રેનને નડ્યા 2 અકસ્માત
બે દિવસ પહેલા 6 ઓક્ટોબરના રોજ વંદેભારત ટ્રેનને પહેલો અકસ્માત થયો હતો. અમદાવાદથી વટવા વચ્ચે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેન વચ્ચે 4 ભેંસ આવી જતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. થોડા સમય પછી ટ્રેન ફરી કાર્યરત કરવામાં આવી હતી. તેના બે દિવસ બાદ ગાંધીનગરથી મુંબઈ જતા સમયે કંઝારી અને આણંદ સ્ટેસન વચ્ચે ફરી દુર્ઘટના થઈ હતી. સતત બીજા દિવસે ટ્રેનની પશુ સાથે ટક્કર થઈ હતી અને ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન પહોંચ્યુ હતું.