આવતી કાલે છે ઇચ્છીત પતિ આપતું કેવડા ત્રીજનું વ્રત, વિધિ જાણવા માટે કરો ક્લિક
આ દિવસે સ્ત્રીઓ નવા કપડા પહેરી અને મહેંદી લગાવી શૃંગાર કરે છે
આવતીકાલે કેવડા ત્રીજનું વ્રત છે. આ વ્રતની ઉજવણી ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. ભાદરવી ત્રીજના દિવસે ભગવાન શંકરના પાર્થિવ શિવલિંગ (માટીના શિવલિંગ) ઉપર મહિલાઓ અને યુવતી દ્વારા કેવડો અર્પણ કરીને મનપસંદ ફળ અને પસંદગી પતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને એ સંપૂર્ણપણે ફળે છે. પૌરાણિક કથા પ્રમાણે ભગવતી પાર્વતીએ ભગવાન શંકરને પતિ સ્વરૂપે મેળવવા માટે ભગવાનને રિઝવવા માટે ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડો ભગવાનને અર્પણ કર્યા હતો. તે દિવસથી આ દિવસને કેવડા ત્રીજથી તરીકે ઓળખવામાં આવે છે.
કેવડા ત્રીજનું વ્રત દેશમાં લગભગ બધી જ જગ્યાએ કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે પતિના લાંબા આયુષ્ય માટે શિવને પ્રાર્થના કરે છે અને રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવું માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય.
આ દિવસે સ્ત્રીઓ નવા કપડા પહેરી અને મહેંદી લગાવી શૃંગાર કરે છે. સ્ત્રીઓ સારા મુહુર્તમાં શિવજી અને પાર્વતીજીની પુજા કરે છે. માતા પાર્વતીને આ દિવસે સૌભાગ્યવતીનો બધો જ સામાન ચડાવવામાં આવે છે. આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઇ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ-પાન ચડાવવામાં આવે છે. આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછીંયા, કાજલ, બિંદી, કંકુ, સિંદુર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની સામગ્રી ચડાવવામાં આવે છે.