અર્પણ કાયદાવાલા/અમદાવાદ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેરના આંગણે ઓલમ્પિકના આયોજનના સપનાં જોવાઇ રહ્યાં છે સારી વાત છે પણ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સ્પોર્ટસ ફેસેલીટી જાળવવામાં સદંતર ફેલ સાબિત થઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક દાયકા પહેલાં એક કરોડના ખર્ચે જુનાવાડજ એમપીની ચાલીની બાજુમાં સ્કેટિંગ રિંક ઉભી કરાઇ હતી પણ જાળવણીના અભાવે તે સાવ તુટી ગઇ છે, એક દાયકાથી નવરંગપુરાના નવરંગપુરા સબ ઝોનલ કચેરીની બાજુમાં આવેલો સ્વીમીંગપુલ બંધ છે, આખો સ્વીમીંગપુલ માટીથી પુરાણ થઇ ગયો છે. ઔડાએ પાંચ વર્ષ પહેલાં 4.50 કરોડના ખર્ચે બોપલમાં ગાર્ડનની અંદર વોલીબોલ-બાસ્કેટબોલ સાથે મલ્ટીપલ કોર્ટ બનાવ્યા હતા પછી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને તેની સોંપણી કરી હતી પણ હજુ સુધી કાર્યરત થઇ શકયો નથી.



 
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વર્ષ 2018-19માં રુ. 20 કરોડના ખર્ચે હયાત 14 સ્વીમીંગ પુલને અદ્યતન બનાવવાનું આયોજન કર્યું હતુ. વર્ષ 2020-21ના બજેટ મુજબ, અમદાવાદ શહેરમાં 10 કરોડના ખર્ચે ચાંદલોડિયા, મેમનગર, પાલડી, ચાંદખેડા, રામોલ, લાંભા, મણિનગર, થલતેજ, ગોતા, જોધપુર, સરખેજ, વાસણા, નિકોલ, નરોડા, બોડકદેવ સહિતના વિસ્તારોમાં 40 સીંગલ/ડબલ ટેનિસ કોર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતુ જે પૈકી 10 પ્લોટમાં 20 ટેનિસ કોર્ટની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે પછી આ ટેનિસ કોર્ટની જાળવણી અને સંચાલન કરવા માટે એજન્સીઓ મળતી નથી જેથી વધુ 20 ટેનિસ કોર્ટ બનાવવાની કામગીરી પડતી મૂકવામાં આવી છે. 



ઘોડાસરમાં સ્મૃતિ મંદિરની સામે સ્કેટિંગ રિંક બનાવવામાં આવી છે પણ તે બે વર્ષથી બંધ હાલતમાં હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા એક દાયકામાં વર્ષ 2021-22ના બજેટમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને બિલ્ડીંગ પાછળ 163.54 કરોડની રકમની ફાળવણી કરી હતી જે પૈકી વર્ષ દરમિયાન રુ.100.34 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વસ્ત્રાલ વોર્ડમાં ટીપી સ્કીમ નંબર 114ના ફાઇનલ પ્લોટ નંબર 155માં વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ઉભુ કરવામાં આવનાર છે. જેની પાછળ રુ.59 કરોડનો ખર્ચ કરવામાં આવશે જેનું કામ શરુ થઇ ગયું છે. 



વર્ષ 2020-21ના બજેટ પ્રમાણે, શહેરના ગોતા વોર્ડમાં સોલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન છે જેની પાછળ રુ.59 કરોડનો ખર્ચ કરવાનું આયોજન છે પણ જુની સ્પોર્ટસ ફેસેલીટી જાળણી શકાઇ નથી. ઉદાહરણ તરીકે લાંભા ખાતે ટેનિસ કોર્ટ, પાલડી એનઆઇડી ખાતેના ટેનિસ કોર્ટ અને નિકોલના ટેનિસ કોર્ટ બનાવ્યા છે પણ છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ છે. 



 
AMCએ તૈયાર કરેલી સ્પોર્ટસ ફેસેલીટી ખંડેર થઇ ગઇ



 
સ્પોર્ટસ ફેસેલીટી - સ્ટેટ્સ
 
1. સ્કેટિંગ રિંક, એમપીની ચાલી, જુનાવાડજ - તુટી ગઇ
2. નવરંગપુરા સ્વમીંગપુલ, નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે - પુરાણ થઇ ગયો
3. વોલીબોલ, બાસ્કેટબોલ કોર્ટ એન્ડ મલ્ટીપલ કોર્ટ, બોપલ ગાર્ડન - ચાર વર્ષથી બંધ
4. નિકોલ ટેનિસ કાર્ટ નિકોલ - બે વર્ષથી બંધ
5. સ્કેટિંગ રિંક, સ્મૃતિમંદિર, ઘોડાસર - શરુ થઇ નથી
6. બે ટેનિસ કોર્ટ, એનઆઇડીની બાજુમા, પાલડી - ત્રણ વર્ષથી બંધ
7. લાંભા ટેનિસ કોર્ટ, લાંભા - બંધ
8. એક કરોડના ખર્ચે બનેલી જુનાવાડજની સ્કેટિંગ રિંક તો તુટી ગઇ, 4.50 કરોડના ખર્ચે બોપલમાં ગાર્ડનની અંદર વોલીબોલ-બાસ્કેટબોલ સાથે મલ્ટીપલ કોર્ટ બનાવ્યા પણ ચાર વર્ષથી બંધ.



 
20 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ કંપનીએ બનાવેલા બે સ્પોર્ટસ કોમ્પલેક્સ બે વર્ષથી બંધ, શહેરીજનોને લાભ મળ્યો નહીં



 
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા 20 કરોડના ખર્ચે શાહપુર અને પાલડી એનઆઇડીની પાછળ રિવરફ્રન્ટ સ્પોર્ટસ કોમ્પલેક્સ બનાવવામાં આવ્યા હતા. આ બંને સ્પોર્ટસ કોમ્પલેક્સ બે વર્ષથી તૈયાર થઇ ચૂક્યાં છે પણ આજદિન સુધી નાગરિકોને તેનો લાભ મળ્યો ન હતો. પહેલાં સાબરમતી રિવરફ્રન્ટ કંપનીના એક અધિકારીએ ટેન્ડર વિના જ અમદાવાદ સીટી ટેનિસ ફાઉન્ડેશનને સ્પોર્ટસ કોમ્પલેક્સ ચલાવવા આપી દીધાં હતા જોકે, આ ફાઉન્ડેશને તે કાર્યરત કર્યા ન હતા. 



સાબરમતી રિવરફ્રન્ટની કરોડોની જમીનમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવા પાછળ 20 કરોડનો ખર્ચ કરાયો હતો પણ નાગરિકો તેનો ઉપયોગ કરી શકે તે માટે કોઇ આયોજન કરાયું ન હતુ. જેથી ગત જુલાઇ 2022માં આ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ચલાવવાનું કામ કોઇપણ જાતની ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના પોતાના મળતીયા ટેનિસ ફાઉન્ડેશનને બારોબાર આપી દેવામાં આવ્યું હતુ. પણ તેને આવક ન લાગતા તેણે આ સ્પોર્ટસ કોમ્પલેક્સ કાર્યરત કર્યા ન હતા. જોકે, તેમને પેનલ્ટી કરવામાં આવી ન હતી અને બારોબાર નવેસરથી ટેન્ડર કરાયા છે.