ગાંધીનગર: નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના માટે કેન્દ્ર સરકારે વધુ એક હિતકારી નિર્ણય કર્યો છે. સરદાર સરોવર નર્મદા યોજનાના નહેર માળખાના બાંધકામ માટે ત્વરીત લાભ સિંચાઇ યોજના હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૭૩૦.૯૦ કરોડની સહાય મંજૂર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતના સરદાર સરોવર નર્મદા યોજનાનો કેન્દ્ર સરકાર દ્વારા અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવા પસંદગી પામેલ દેશની ૯૯ યોજનાઓમાં આ પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની લોંગ ટર્મ ઇરીગેશન ફંડ (LTIF) યોજનામાંથી રૂ.૧૪૮૪.૩૯૧ કરોડની લોંગ ટર્મ ઇરીગેશન ફંડની લોન ૬ % ના ઓછા વ્યાજ દરથી મંજૂર કરી છે. જેથી નર્મદા યોજનાની કામગીરીમાં વધુ વેગ આવશે. 


રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઇના પાણીની સુવિધા માટે અને કરોડો નાગરિકોના પીવાના પાણીની જરૂરીયાતને પૂર્ણ કરતી આ યોજનાના નહેર માળખાના બાંધકામો સત્વરે પૂર્ણ કરાશે. નર્મદા યોજનાના બધા જ કામો પૂર્ણ કરવામાં ભારત સરકાર દરેક રીતે મદદરૂપ થઇ રહી છે તે બદલ નર્મદા મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.  


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતોના અને નાગરિકોના હિત માટે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં સત્તાના સુત્રો સંભાળ્યાના ૧૭મા દિવસે જ સરદાર સરોવર બંધની ઉંચાઇ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી, અને જુન-૧૭મા દરવાજા બંધ કરવાની મંજૂરી પણ મળી હતી.