ગુજરાતમાં બર્ડ ફ્લૂ વકરતા દિલ્હી સરકાર દોડતી થઈ, મોકલશે એક્સપર્ટસની ટીમ
- જૂનાગઢ, વડોદરા, વલસાડ, સુરત બાદ ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લૂએ દસ્તક દિધી
- ડાંગ જિલ્લામા બર્ડ ફલૂનો પગ પેસારો થયો છે. વઘઈ ખાતે આજે 10 કાગડાના મોત થયા
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હવે ધીરે ધીરે બર્ડ ફ્લૂનો ફેલાવો વધી રહ્યો છે. જેથી દિલ્હીથી પશુપાલન વિભાગના તજજ્ઞોની ટીમ ગુજરાત મોકલવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.ગુજરાતમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂના ચેપથી કાગડા, ટીટોડી, બતક જેવા અનેક પક્ષીઓ મૃત્યુ (Bird Flu) પામ્યા છે.જેમાં જૂનાગઢ, વડોદરા, વલસાડ, સુરત બાદ ડાંગ જિલ્લામાં બર્ડ ફ્લૂએ દસ્તક દઈ દિધી છે. જ્યારે તાપી, નર્મદા, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાંથી લેવાયેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા નથી. ત્યારે સ્થિતિ વધુ વણસે નહિ તેના માટે કેન્દ્ર (Government of India) માંથી ટીમ ગુજરાત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
9 જિલ્લાામા પક્ષીઓના મોત
ગુજરાતમાં 9 જિલ્લાઓમાંથી અનેક પ્રજાતિઓના પક્ષીઓ મૃત હાલમાં મળ્યા છે. કાગડા, બતક, ટીટોડી, કબૂતર બાદ મોર, કુંજ પછીના સેમ્પલો પણ ભોપાલ સ્થિત લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. બારડોલીના બાબેન ગામના લેક પેલેસ હાઉસિંગ સંકૂલમાં એક ઘુવડ બિમાર હાલતમાં મળ્યુ હતુ. જેના મોઢાંમાંથી લોહી નિતરી રહ્યુ હતુ. અત્યાર સુધીમાં સૌથી વધુ કાગડા જ મૃત મળ્યા છે. ત્યારે સ્થિતિ કાબુ બહાર ન જાય તેના માટે વહેલી તકે બર્ડ ફ્લૂને રોકવા કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ગેંગમાં 4 યુવતીઓ પણ સામેલ
ડાંગમાં આજે 10 કાગડાના મોત
ડાંગ જિલ્લામા બર્ડ ફલૂનો પગ પેસારો થયો છે. વઘઈ ખાતે આજે 10 કાગડાના મોત થયા છે. સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તારમાં કાગડાના મોત થયા છે. બે કાગડાના મૃતદેહને તપાસ અર્થે ભોપાલ મોકલાયા હતા. જેમાંથી એક કાગડાનું મોત બર્ડ ફલૂના કારણે થયું હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો હતો. બર્ડ ફલૂ આવતાની સાથે તંત્ર એલર્ટ થયું હતું.
દેશના 10 રાજ્યમાં બર્ડ ફ્લૂ
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફેલાઈ રહેલ બર્ડ ફ્લૂને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવાના નિર્દેશ કર્યાં હતા. સરકારનું કહેવું છે કે, દેશના 10 રાજ્યોમાં એવિયન ઈન્ફ્લુએન્ઝા (બર્ડ ફ્લૂ) ના મામલાની પુષ્ટિ કરી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, ઝારખંડમાં પણ પક્ષીઓના અકુદરતી મોતના ખબર સામે આવ્યા છે. આવામાં કેન્દ્રએ રાજ્યોને કહ્યું કે, તેઓ ઈંડા અને ચિકનના સેવન સંદર્ભે એડવાઈઝરી જાહેર કરે, જેથી અફવાથી બચી શકાય.