સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ગેંગમાં 4 યુવતીઓ પણ સામેલ

રાજકોટ પોલીસે લતીફ નરીવાલા, આમીર નરીવાલા, નશરૂલ્લાહ પારૂડીયા, કાજલ મકવાણા, કોમલ પ્રાગડા, પૂજા સોલંકી અને સાહિસ્તા તુંપીની ધરપકડ કરી છે. આ શખ્સો પર દેશનાં વિવિધ રાજ્યોનાં નાગરિકોને ફોરેક્ષ ટ્રેડિંગનાં નામે છેતરપિંડી કરવાનો આરોપ છે.

સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ, ગેંગમાં 4 યુવતીઓ પણ સામેલ
  • સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો પર્દાફાશ
  • ફોરેક્ષ ટ્રેડિંગના નામે કરતા છેતરપિંડી કરતા યંગસ્ટર્સ 
  • ચાર યુવતી સહિત સાત શખ્સો પોલીસ સકંજામાં

રક્ષિત પંડ્યા/રાજકોટ :સૌરાષ્ટ્રનાં સૌથી મોટા કોલ સેન્ટરનો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. દેશનાં અલગ અલગ રાજ્યોનાં નાગરિકો સાથે ફોરેક્ષ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી ગેંગની ચાર મહિલા સહિત સાત શખ્સોની ધરપકડ કરી છે. હાલ પોલીસ તપાસમાં આરોપીઓએ બે એપ્લિકેશન મારફતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. 

રાજકોટ પોલીસે લતીફ નરીવાલા, આમીર નરીવાલા, નશરૂલ્લાહ પારૂડીયા, કાજલ મકવાણા, કોમલ પ્રાગડા, પૂજા સોલંકી અને સાહિસ્તા તુંપીની ધરપકડ કરી છે. આ શખ્સો પર દેશનાં વિવિધ રાજ્યોનાં નાગરિકોને ફોરેક્ષ ટ્રેડિંગનાં નામે છેતરપિંડી કરવાનો આરોપ છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, રાજકોટનાં સર્કિટ હાઉસ નજીક સ્ટાર પ્લાઝામાં ચોથા માળે કોલ સેન્ટર ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે દરોડો કરતા સાત શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી લતીફ નરીવાલા અને આમીર નરીવાલા કોલ સેન્ટરનું સંચાલન કરતા હતા. ફોરેક્ષ ટ્રેડિંગના નામે અલગ અલગ રાજ્યોનાં લોકોને રૂપિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

કેવી રીતે ચલાવતા કોલ સેન્ટર...?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી લતીફ નરીવાલાએ બે મહિના પહેલા કોલ સેન્ટર માટે ન્યૂઝ પેપરમાં જાહેર ખબર આપી હતી. આરોપીઓ શેર બજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોના લીડ ડેટા અન્જલ બ્રોકિંગ અને અન્ય સંસ્થામાંથી ડેટા મળવી લેતા હતા. ઇગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામની ફોરેક્ષ ટ્રેડિંગ એપ્લિકેશન બનાવી હતી અને લોકોને રૂપિયા કમાવાની લાલચ આપીને ડાઉનલોડ કરાવતા હતા. વિદેશી ચલણમાં રૂપિયા રોકાવવા 200 થી 500 ડોલર સુધીનું રોકાણ કરાવી 100 ટકા નફાનો વિશ્વાસ અપાવતા હતા અને પછી 30 ટકા કમિશન લેતા હતા. રોકાણકારોને એપ્લિકેશનમાં ખોટો પ્રોફિટ બતાવીને વધુ રૂપિયા રોકવાનું કહેતા હતા. 15 થી 25 દિવસ બાદ રાકાણકારોનું એકાઉન્ટ બંધ કરી છેતરપિંડી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, લેપટોપ સહિત રૂપિયા 99 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હાલ તો પોલીસે આ કોલ સેન્ટરનાં સંચાલક લતીફ અને તેનાં ભાઇ સહિત સાત સખ્સોની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે. જોકે કોલ સેન્ટરમાં કામ કરતી યુવતીઓને લખેલી સ્ક્રિપ્ટ આપવામાં આવતી હતી. જેથી સામે રોકાણકારોને મહિલાની વાત પર વિશ્વાસ આવી જાય અને રોકાણ કરે. હાલ તો આ કોલ સેન્ટરનું રેકેટ રાજકોટ બહારથી ચાલતું હતું કે હેન્ડલર કોણ છે તે સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news