અધિકારીઓ જ બળાત્કારીના પૂજારી : શાળામાં આસારામની આરતી ઉતારનાર આચાર્યએ માફી માંગતા કહ્યું કે, મારાથી ભૂલ થઈ ગઈ
Asaram Aarati : મહીસાગરમાં દુષ્કર્મી આસારામની આરતી મામલે ઝી 24 કલાકના અહેવાલની અસર.... TPO મુવાડા પ્રાથમિક શાળામાં પહોંચ્યા તપાસ માટે.....
Asaram Aarati : શાળામાં બાળકો પાસેથી આરોપી અને લંપટ ગુરુ આસારામની આરતી ઉતારાવનાર આચાર્યએ આખરે માફી માંગી હતી. લુણાવાડા જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળામાં આસારામની આરતી કર્યાના Zee 24 કલાક ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું.
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ TPO ને તપાસ કરવાના આદેશ આપ્યા છે. Zee 24 કલાક ની ટીમ જામાં પગીના મુવાડા ગામે પહોંચી હતી. જ્યાં અમે શાળાના આચાર્ય સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, હવે તેઓ આસારામના કાર્યક્રમ નહિ કરે. આસારામના અનુયાયીઓ શાળાઓમાં ફરી ફરીને કાર્યક્રમ કરે છે. શાળામાં આવા કાર્યક્રમ કરવાની મંજૂરી કોણે આપી. આસારામ દુષ્કર્મના અને હત્યાના ગુનામાં સજા કાપી રહ્યા છે.
જિલ્લા શિક્ષણાધિકારી જ આશારામ ના ભગત!
મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીના આસારામના આશ્રમમાં પૂજા કરતા ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપીન પટેલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આસારામના આશ્રમમાં પૂજા કરતા જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરીના ફોટા સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આશ્રમમાં લોકોને પ્રવચન આપતાં હોય તેવાં ફોટા છે. જો જિલ્લા શિક્ષણાધિકારી જ આસારામને પૂજતા હોય તો પછી શાળાઓમાં પણ શું આવા ફતવા ન કરતા હોય.
મહીસાગર લુણાવાડાની જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળામાં બળાત્કારી આસારામના બેનર લગાવીને તેની આરતી ઉતારવામાં આવી હતી. 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુંધીમાં રોજ માતૃ પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. તેમાં સરકારી શાળાનો ઉદ્દેશ્ય સારો હતો, પરંતુ બળાત્કારના આરોપી આસારામનું બેનર અને ફોટો મુકતા વિવાદ થયો છે. પ્રાથમિક શાળા ખાતે બાળકોના વાલીઓને બોલાવી માતૃ પિતૃ પૂજન કાર્યકમ યોજાયો હતો. પરંતુ અહીના દ્રશ્યો લોકોને વિચલિત કરે તેમ હતા.
ફોટો મુકીને આરતી પુજા કરવામાં આવી
શાળાના કાર્યક્રમમાં બળાત્કારની સજા ભોગવતા બળાત્કારી આશારામના ફોટાવાળું બેનર લગાવાયું હતું. બેનરમાં ઉલ્લેખ હતો કે “પૂજ્ય સંતશ્રી આશારામ બાપુ પ્રેરિત માતૃ પિતૃ પૂજન દિવસ આવો ઉજવીએ સાચો પ્રેમ દિવસ” આ પ્રકારના બેનરની સાથે સાથે બાળકોની ઉપસ્થિતમાં જ આશારામની તસ્વીર મુકવામાં આવી હતી. બાળકો, માતા પિતા અને મહેમાનોની હાજરીમાં આસારામની તસવીરની આરતી ઉતારવામાં આવી હતી. હાલ તો આ સમગ્ર ઘટના ભારે વિવાદિત બની છે અને ફોટા વાયરલ થઇ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આસારામને કોર્ટે દ્વારા બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. બળાત્કારના ગુન્હાની સજા જેલમાં ભોગવી રહ્યો છે. આવા ગુનેગાર આશારામના ફોટાની આરતી ઉતારી શાળાના શિક્ષક બાળકો તેમજ તેમના માતા પિતા સમક્ષ શું સાબિત કરવા માંગે છે તે એક મોટો સવાલ ઉભો થાય છે.