રાજ્ય સરકારમાં મંત્રી વાસણ આહિરના નામે લાખોની ઠગાઈ, સેક્ટર-7માં નોંધાઈ ફરિયાદ
રાજ્ય સરકારમાં પ્રધાન વાસણ આહિરના સગા પર કોઈ વ્યક્તિ ફોન કરે છે અને પોતાને મંત્રીજી તરીકે ઓળખાવી તેમને વિશ્વાસમાં લઈને લાખ-બે લાખ રૂપિયાની માંગણી કરે છે.
ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ પ્રધાન વાસણ આહિરના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવાની ઘટના સામે આવી છે. આ અંગે પ્રધાન વાસણ આહિરે પોતાના નામે ઉઘરાણી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સૌથી મહત્વની વાત તે છે કે, આ સમગ્ર મામલામાં ટ્રૂ-કોલર એપનો દૂરઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રૂ કોલર એપમાં ફોન કરનારી વ્યક્તિ ઓળખાઈ જાય તે માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કોઈ ભેજાબાજે આ એપનો ઉપયોગ કરીને ઉઘરાણી કરી છે. આ અંગે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
કેવી રીતે કરી છેતરપિંડી
રાજ્ય સરકારમાં પ્રધાન વાસણ આહિરના સગા પર કોઈ વ્યક્તિ ફોન કરે છે અને પોતાને મંત્રીજી તરીકે ઓળખાવી તેમને વિશ્વાસમાં લઈને લાખ-બે લાખ રૂપિયાની માંગણી કરે છે. આ ઠગાઇ કરવામાં ટ્રૂ કોલર એપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે માટે આ ભેજાબાજે ટ્રૂ કોલરમાં તેનો નંબર વાસણ આહિરના નામે સેવ કરી લીધો અને ત્યારબાદ મંત્રીના સગાઓને ફોન કરવામાં આવ્યા હતા. જ્યારે મંત્રીના કોઈ સંબંધીને ફોન જાય ત્યારે ટ્રૂ કોલર દ્વારા નંબરમાં વાસણ આહિરનું નામ આવે એટલે તેમને વિશ્વાસ આવતો કે આ ફોન મંત્રીએ કર્યો છે.
ત્યારબાદ આ ફોન કરનાર વ્યક્તિ વાસણ આહિર તરીકે ઓળખ આપીને કહે કે, મારા નજીકના સગાનો અકસ્માત થયો અને હોસ્પિટલનું બિલ ભરવાનું છે, તો પૈસા મોકલાવો. આ રીતે આ ઠગે 10 કરતા વધુ મંત્રીજીના સગાઓ પાસેથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોઈ સંબંધીએ વાસણ આહિર સાથે આ અંગે વાત કરી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ મંત્રીએ આ નંબર પર ફોન કર્યો પરંતુ આ નંબર ઓફ આવે છે. આ ઘટનામાં અત્યાર સુધી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે.
વાંચો ગુજરાતના અન્ય સમાચાર