AIOCD દ્વારા દેશભરમાં બંધનું એલાન, રાજ્યના મેડિકલના વેપારીએ આપ્યું સમર્થન
દેશભરમાં દવાના 9 લાખ વેપારીઓનું આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વેપારીઓ દ્વારા બંધને સમર્થન આપ્યું છે.
અમદાવાદ: ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એઆઈઓસીડી) દેશની સૌથી મોટી કેમીસ્ટ અને ડીસ્ટ્રીબ્યુટર્સના સંગઠને દવાઓના ઓનલાઈન વેચાણનો વિરોધ કરવાનો સ્પષ્ટ નિર્ણય લીધો છે. ઓલ ઇન્ડિયા કેમીસ્ટ સંગઠને બંધની જાહેરાત કરી છે. જે કેન્દ્ર સરકાર દ્વારા દવાના ઓન લાઈન વેચાણને છૂટ આપવાના સંબંધિત કોઈપણ પ્રકારના પગલાનો વિરોધ પ્રગટ કરવા માટે છે.
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ (એઆઈઓસીડી)ના ઉપરોક્ત નિર્ણયને ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને આવકાર્યો છે અને તેને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે જેથી ગુજરાત રાજ્યના દવાના તમામ વેપારીઓ પોતાની દુકાન તથા ઓફિસ સંપૂર્ણ બંધ રાખી આ બંધના એલાનમાં જોડાયા છે.
દેશભરમાં દવાના 9 લાખ વેપારીઓનું આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં વેપારીઓ દ્વારા બંધને સમર્થન આપ્યું છે. અમદાવાદના 5 હજાર વેપારીઓ બંધમાં જોડાયા છે. વડોદરા જિલ્લા અને શહેરની 1700 મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવી છે. તો સુરતમાં પણ 4300 કેમિસ્ટ ઈ-ફાર્મસીના વિરોધમાં એક દિવસીય બંધમાં જોડાયા તો રાજકોટમાં પણ બંધના કારણે શહેર અને જિલ્લાની 1 હજારથી વધારે મેડીકલ સ્ટોર્સ બંધ રહ્યાં છે.
અમદાવાદ
અમદાવાદમાં મેડિકલ સંચાલકો દ્વારા હડતાળ પાળવામાં આવી છે. ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં સંચાલકો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. બંધને ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને ટેકો આપ્યો છે. ગુજરાતના 25 હજાર અને અમદાવાદના 5 હજાર વેપારીઓ બંધમાં જોડાયા છે.
સુરત
સુરત શહેરમાં 4300 કેમિસ્ટ ઈ-ફાર્મસીના વિરોધમાં એક દિવસીય બંધમાં જોડાયા છે. સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન દવાઓનું વેચાણ શરૂ થયું છે. 24 કલાક લાઇસન્સ ધરાવનાર મેડિકલ સ્ટોર્સ ઇમરજન્સી દવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે. જીવન રક્ષક દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર મળે નહીં તેના બદલે ગમે તે દવાઓ પ્રિસ્ક્રીપ્શન વગર ઓનલાઈન મળવી શરૂ થઈ જેના વિરોધમાં મેડિકલ સ્ટોર્સના વેપારીઓએ બંધમાં જોડાયા છે.
વડોદરા
વડોદરામાં પણ મેડિકલ સંચાલકો દ્વારા ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં સંચાલકો દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા અને શહેરની 1700 મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે 33 દુકાન ચાલુ રાખવામાં આવી છે.
રાજકોટ
ઓનલાઈન દવાના વેચાણમાં અપાયેલા બંધમાં રાજકોટના મેડિકલ સ્ટોર્સ સંચાલકો જોડાયા હતા. બંધના કારણે શહેર અને જિલ્લાની 1 હજારથી વધારે મેડીકલ સ્ટોર્સ બંધ રહી હતી. તો રાજકોટમાં મોટી ટાંકીચોક ખાતે મેડિકલ સ્ટોલ સંચાલકોએ ઓનલાઈન દવાના વેચાણમાં પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને મેડિકલ સંચાલકોએ આરોપ લગાવ્યો હતો કે ઓનલાઇન દવાના વેચાણથી પ્રતિબંધિત દવાઓનું પણ વેચાણ થઈ રહ્યુ છે. સાથે જ મેડિકલ સંચાલકોની રોજગારી ઉપર પણ અસર થવાની વાત સંચાલકોએ કરી હતી.