મૌલિક ધામેચા / અમદાવાદ :અમદાવાદના શાહપુર બાળ રિમાન્ડ હોમમાં બે મહિના પહેલાં 17 વર્ષીય સગીરની તબિયત લથડી હતી. આ સગીરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે આખરે બેદરકારી દાખવનાર સામે કસ્ટોડિયલ ડેથની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ તપાસ માટે SIT ની રચના કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, સગીર સામે ફરિયાદ કરનાર શખ્સે પણ હુમલો કરતા રિતિકને ઇજા પહોંચી હતી. બાદમાં ઇસનપુર પોલીસે રિતિકને ગુનામાં પકડતા ઈસનપુરના પોલીસ કોન્સ્ટેબલે પણ સગીરને માર માર્યા હતો. જોકે પછીથી તેને રિમાન્ડ હોમમાં મૂકી દેવામાં આવ્યો. ત્યારે પણ ઇન્ચાર્જ અધિક્ષકે અને ત્રણેય ગાર્ડ દ્વારા કિશોરની સારવાર ન કરાવી બેદરકારી દાખવી હતી. જેને લઇ SITના તપાસ અધિકારીએ 6 આરોપીઓ વિરુદ્ધ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. 


બનાવ અંગે હકીકત એવી હતી કે, ગત ઓક્ટોબર માસમાં ઈસનપુર વિસ્તારમાં રહેતાં 17 વર્ષીય રિતિક પરમાર નામના સગીરને ઇસનપુર પોલીસે મારમારીની ફરિયાદ ના ગુનામાં અટક કર્યો હતો. જોકે પોલીસે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના જામીન ના મંજુર કર્યા એટલે રિતિકને રિમાન્ડ હોમમાં લઇ જવાયો. તે દરમ્યાન સવારે બાળ રિમાન્ડ હોમમાં રિતિકની તબિયત ખરાબ હોવાનું પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો બાળ રિમાન્ડ હોમ પર પહોંચ્યા ત્યાં સુધીમાં રિતિકનું મોત થયું હતું.