ગુજરાતમાં બાળકોનું બનશે હેલ્થકાર્ડ, દેશનું એકમાત્ર રાજ્ય : ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય
બાળકોના જીવનની ગુણવત્તા સુધારવા અને સમાજના તમામ બાળકોને વ્યાપક સંભાળ પૂરી પાડવાના પાવન ધ્યેય સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત આજે વિસનગર ખાતે જન્મજાત ખોડ ખાંપણથી સ્વસ્થ થયેલા બાળકો અને તેમના વાલીઓ સાથે `જન્મજાત ખોડ ખાંપણ જનજાગૃતિ` માસનો કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગરઃ વિસનગર એ.પી.એમ.સી ખાતે યોજાએલા જન્મજાત ખોડ ખાંપણ જનજાગૃતિ" માસ અંતર્ગત આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,” રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની ટીમો આંગણવાડી તેમજ શાળાઓમાં જઈને જન્મજાત ખોડ ખાંપણથી લઈને કોઈપણ બાળકની ગંભીર બિમારીની સારવાર માટે ચિંતા કરે છે. રોજગારીમાં વ્યસ્ત કે નબળી સ્થિતિ વાળા વાલીઓના બાળકોની ચિંતા સરકાર કરી રહી છે. ચશ્માથી લઈ વિવિધ ગંભીર તકલીફો ને દૂર કરવાથી લઈ બાળકોના આત્મવિશ્વાસ કેળવવાની વ્યવસ્થા પણ સરકારે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત કરી છે કારણ કે સરકાર ભવિષ્યના નાગરિકોને તંદુરસ્ત કરવાની ચિંતા કરે છે. આ માટે સરકારે સગર્ભા, કિશોરીઓ ,દીકરીઓ ,કુપોષણ હટાવવા તેમજ યુવાઓ અને રોજગાર વાંચ્છુઓ માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. આ તકે મંત્રીએ સરકાર દ્વારા 25 વર્ષનો રોડ મેપ તૈયાર કરાયો છે તે માટે વિવિધ વિકાસકામોની ચર્ચા પણ કરી હતી......
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી વધુમાં જણાવી હતું કે સંવેદનશીલ સરકારનો સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોકલિયર ઈમ્પ્લાન્ટની જરૂર ધરાવતા બાળકો માટે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ સરકાર તરફથી વિનામુલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ મેળવનાર બાળકોને બીજા કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ ૫૦ ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે માત્ર ૧૦ ટકા ફાળો લેવામાં આવશે.આ ઉપરાંત, સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલ હોય તેવા કિસ્સાઓમાં રુ. ૪ લાખથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એક વાર કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી ૧૦ ટકા ફાળો લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ AAPની જીતવાની શક્યતા જ નથી, ચૈતર વસાવા ક્યાંય ખોવાઈ જશે ખબર પણ નહીં પડે"
સુપર સ્પેશ્યાલિટી સારવાર માટે અમદાવાદ ખાતે રીફર થતા શાળા આરોગ્ય કાર્યક્રમના તમામ લાભાર્થીઓને તેમના રહેઠાણથી આરોગ્ય સંસ્થા સુધીનુ જવા-આવવાનું મુસાફરી ભથ્થું (એસ.ટી.ના ભાવ મુજબ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સ્વાસ્થ્યલક્ષી નિર્ણય બદલ કોકલિયર ઇમ્પ્લાન્ટની જરૂર ધરાવતા બાળકો અને તેમના પરિજનો વતી તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આભાર માન્યો હતો તેમજ સરકાર તરફથી મળતી આ વધુ આર્થિક સહાય બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્યને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવશે એવો આશાવાદ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.
જન્મજાત ખોડખાંપણ જનજાગૃતિ માસ અંતર્ગત જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં 60 બાળકો તેમના વાલીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. પહેલી માર્ચે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દિલ્હી ખાતે લોન્ચ થયેલા આ કાર્યક્રમમાં અંતર્ગત ત્રીજી માર્ચે વિશ્વ જન્મ જાત ખોડખાપણ દિવસ મનાવાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમમાં સ્વસ્થ થયેલા બાળકોએ પ્રાર્થના ગીત , જેમાં કપાયેલા હોઠથી સ્વસ્થ થયેલા આઠ બાળકોએ ફેશન શો ,ક્લબ ફુટ ડિફેક્ટ વાળા ચાર બાળકોએ સ્પોર્ટ્સ તેમજ જન્મજાત હૃદયની બિમારીથી મુક્ત થયેલા નવ બાળકોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અભિયાન દરમિયાન બાળકોના શારીરિક-માનસિક વિકાસ અને પોષણ સ્તરની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે.