જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલ તાલુકાના રીબડા ગામે મોડી સાંજે પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે તણખલા ઝરતા મામલો બિચક્યો હતો અને જિલ્લાભરની પોલીસ રીબડા અને ગોંડલ ખાતે ખડકાઈ હતી. આ બનાવને પગલે રીબડા ગુંદાસરા સડક પીપળીયા ગામના લોકો ગોંડલ જયરાજસિંહ જાડેજાના નિવાસ્થાને દોડી આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાને પગલે ગુરુવારના રોજ રીબડામાં સાંજે મહાસંમેલનની જયરાજસિંહ જાડેજા દ્વારા ઘોષણા કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોંડલ તાલુકાના રીબડા ગામે રહેતા અમિત ખૂંટ નામના યુવાને જણાવ્યું હતું કે, મારા લમણે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ સહિત કેટલાક લોકોએ બંદૂક રાખી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બંધુકની નાળ ત્રણ ચાર વખત છાતીમાં મને મારી ધાક ધમકી આપવામાં આવી હતી. જેથી ઘટના બાદ રીબડા સડક પીપળીયા અને ગુંદાસરા સહિતના ગામોના લોકોનું મોટું ટોળું સાંજના રજૂઆત કરવા માટે જયરાજસિંહ જાડેજાના ઘરે દોડી આવ્યું હતું. આ તકે ડીવાયએસપી ઝાલા સહિતનો મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. ત્યારે જયરાજ સિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવતીકાલે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહાસંમેલન બોલાવવામાં આવશે અને તેની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે તેવું કહ્યું હતું. તેમજ રીબડાના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. 


સમગ્ર મામલે અમિત ખૂંટ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. અમિત ખૂંટે માજી ધારાસભ્ય મહીપતસિંહ જાડેજાના દિકરા અને તેના પૌત્ર સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજદીપ સિંહ જાડેજા, સત્યજીત સિંહ જાડેજા, દાઢી બાપુનો દીકરો લાલભાઈ, અનિરુદ્ધ સિંહ મહિપત સિંહ જાડેજા, જીજી બાપુના દીકરા ટીનુંભા જાડેજા, ધ્રુવરાજ સિંહ રાજેન્દ્ર સિંહ જાડેજા વિરુદ્ધ 323, 506 (2), 114, 341, 504, આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ કામના આરોપીઓએ ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસમાં મત આપવાનું કહ્યું હતું. જે કામ ના કર્યું હોવાથી ખાર રાખી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 


રીબડા ખાતે થયેલ બબાલ ના ખોટા મેસેજ લઈ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા બોલાવાઈ પત્રકાર પરિષદ બોલાવાઈ હતી. તેમણે કહ્યું કે, કોઈ પણ પ્રકારની બબાલ રીબડા ખાતે થઈ નથી. જયરાજસિંહ દ્વારા અનિરુદ્ધ જાડેજાના પરિવારને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. ગોંડલના માજી ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા પટેલ સમાજમાં ગેરસમજ ઊભી કરી રહ્યા છે. સ્થાનિક પોલીસ આવી જતાં ટોળું નાસી છૂટ્યુ હતું. જયરાજ સિંહ રાજકીય ઓથ વાપરી લોકોને અમારી પ્રત્યે ભ્રમિત કરે છે. ચૂંટણી પૂરી થઈ ગયા છતાં રીબડાને ટાર્ગેટ કરવામાં આવે છે.