સાબરકાંઠાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, અંગ્રેજોના જુલ્મી શાસન સામે પ્રાણ ન્યોછાવર કરીને શહાદત વ્હોરનારા વનવાસી આદિજાતિઓની રાષ્ટ્રભક્તિ, વતન પ્રેમ અને શૌર્યગાથા આપણને આજીવન ‘લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન’ ની પ્રેરણા આપે છે.
    
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લગાન વધારાના જુલમ સામે વિરોધ નોંધાવવા ૭ માર્ચ ૧૯રરના દિવસે પાલ-દઢવાવમાં એકઠા થયેલા ૧ર૦૦ આદિવાસી બાંધવો પર બ્રિટીશરોએ ગોળીઓ વરસાવી અને વિંધી નાખ્યા હતા. ૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ ક્રૂર આ હત્યાકાંડ ગુજરાતના પાલ-દઢવાવમાં થયો હતો. આ ભિષણ રક્તપાતને ઇતિહાસમાં શહિદ સ્મૃતિ તરીકે અમર રાખવા ૭ માર્ચ-ર૦રર ને શહિદ શતાબ્દી દિન તરીકે પાલ-દઢવાવનો મનાવવામાં આવ્યો હતો. 
    
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્મૃતિ દિવસમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતાં વનવાસી શહિદોને ભાવાંજલિ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આ ૧ર૦૦ વનવાસી શહિદવીરોની સ્મૃતિને ચિરંજીવ રાખવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાન ર૦૦૩માં ૧ર૦૦ વૃક્ષો વાવી શહિદ સ્મૃતિ વન ઉભું કર્યુ છે. આ શહિદ સ્મૃતિ વન વનવાસી શહિદોને યથોચિત શ્રદ્ધાંજલિ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ વિશ્વ મહિલા દિવસ પર કચ્છમાં મહિલા સંતોના સેમીનારને પીએમ મોદી કરશે સંબોધિત
    
મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદી-સ્વતંત્રતા સંગ્રામની આવી વિસરાયેલી ઘટના અને આઝાદી સંગ્રામના વિરલાઓને જન-માનસમાં ઉજાગર કરવા આ વર્ષે પ્રધાનમંત્રીની પ્રેરણાથી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તેમણે જણાવ્યું કે, ગત પ્રજાસત્તાક દિવસ, તા.ર૬ જાન્યુઆરી-ર૦રર એ નવી દિલ્હીમાં યોજાયેલી પરેડમાં ગુજરાતની આ ઐતિહાસિક વનવાસી શહિદ ગાથાને દેશ સમક્ષ પ્રસ્તુત કરતો ટેબ્લો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. 
    
મુખ્યમંત્રીએ સ્વતંત્રતા સંગ્રામ પૂર્વેના ક્રાંતિ સંગ્રામ અને સ્વતંત્રતા સંગ્રામ બેયમાં વનવાસીઓએ મોતીલાલ તેજાવત, ગોવિંદ ગુરૂ જેવા ક્રાંતિવીરોના નેતૃત્વમાં આપેલા યોગદાનને રાષ્ટ્રભક્તિના ઉત્તમ દાખલારૂપ ગણાવ્યા હતા. તેમણે વનવાસીઓના આવા શૌર્યસભર બલિદાન અને યોગદાનને સદાકાળ ચિરંજીવ રાખવા સાથે વનબાંધવોના સર્વગ્રાહી વિકાસને વેગવંતો બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 
    
આ અવસરે આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઇ પટેલ, રાજ્યમંત્રી  વિનોદભાઇ મોરડીયા તેમજ આદિજાતિ વિકાસ સચિવ ડૉ. મુરલીક્રિષ્ણા ગાંધીનગરથી સહભાગી થયા હતા. પાલ-દઢવાવના કાર્યક્રમ સ્થળે શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઇ ડીંડોર, સાંસદ  દિપસિંહજી અને  રમિલાબહેન બારા સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને વનવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube