અમરેલી જિલ્લાના સાગરખેડૂ-માછીમાર પરિવારો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, મદદની આપી ખાતરી
મુખ્યમંત્રી ગુરૂવારે સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને તાઉ-તે થી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ અને અમરેલીના ગામોની મુલાકાત અને પૂનર્વસન કાર્યમાં માર્ગદર્શન માટે હવાઇ માર્ગે પહોચ્યા હતા.
અમરેલીઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ત્રાટકેલા તાઉ-તે વાવાઝોડાએ સર્જેલી વિકટ સ્થિતીનો તાગ અમેરલીના કોવાયા અને પીંપરીકાંઠા ગામોના સાગરખેડૂ-માછીમાર પરિવારોની વિતક સ્વયં સાંભળીને મેળવ્યો હતો.
મુખ્યમંત્રી ગુરૂવારે સવારથી જ અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને તાઉ-તે થી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ અને અમરેલીના ગામોની મુલાકાત અને પૂનર્વસન કાર્યમાં માર્ગદર્શન માટે હવાઇ માર્ગે પહોચ્યા હતા.
વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાના તીવ્ર પવન અને વરસાદને પરિણામે ઊભી થયેલી સ્થિતીનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું
મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા અને જાફરાબાદના પીપરીકાંઠા ગામોમાં જઇને સાગરખેડૂ-માછીમાર પરિવારો, ગ્રામજનોને મળ્યા હતા.
આ પણ વાંચોઃ OMG! અમદાવાદના આ તળાવમાં એક સાથે લાખો માછલીઓના મોત, શું ફરી આવી કોઈ નવી બીમારી?
તેમણે કોમન મેન સી.એમ તરીકે આ પરિવારો-ગ્રામજનોની વ્યથા-વિતક સાંભળી અને તાઉ-તે ને કારણે તેમને થયેલા નુકશાનની જાત માહિતી મુખ્યમંત્રી તરીકે તેમની વેદનામાં સહભાગી થઇને મેળવી હતી
વિજયભાઇ રૂપાણીએ અસરગ્રસ્ત ગ્રામજનોના તુટી ગયેલા – પડી ગયેલા મકાનો અને બોટસ વગેરેની વિગતો સ્થળ પર જઇને સાંભળી આ વિપદામાં રાજ્ય સરકાર સાગરખેડૂ-માછીમારોની સહાયતા માટે પ્રતિબદ્ધ રહેશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
મુખ્યમંત્રીએ ગ્રામજનો-સાગરખેડૂ-માછીમારો સાથેની સંવેદનાસભર વાતચીતમાં કહ્યું કે, મોટાભાગના માછીમાર પરિવારોની બોટસને આ વાવાઝોડાએ મોટું નુકશાન કર્યુ છે. આવી વિકટ સ્થિતીમાં સાગરખેડૂ-માછીમારોની આજિવીકા માટે રાજ્ય સરકાર તેમને કેશડોલ રૂપે ત્વરિત સહાય આપશે.
આ પણ વાંચોઃ વેપારીઓ માટે રાહતના સમાચાર, કર્ફ્યૂમાં વેપાર-ધંધાને મળી છૂટછાટ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
એટલું જ નહિ, જે કાચા મકાનોને નુકશાન થયું છે તેમને પણ નિયમાનુસાર યોગ્ય મદદ-સહાય તંત્ર દ્વારા ચુકવાશે એમ વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ હતું.
માછીમાર આગેવાનો દ્વારા જે માછીમાર પરિવારોના મકાનોને નુકસાન થયું છે અથવા તો પડી જ ગયા છે તેવા મકાનોને રીપેરીંગ અથવા પૂન: ઊભા કરવા માટે નળિયા તેમજ પતરા યોગ્ય ભાવે મળી રહે તે બાબતની રજૂઆત કરી હતી.
આ સંદર્ભે મુખ્યમંત્રીએ માછીમાર પરિવારોના મકાનો ફરી ઊભા થાય તે માટે પતરા તેમજ નળિયા યોગ્ય ભાવે મળી રહે તે જોવાની સંબંધિત અધિકારીઓને સૂચના પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસન તથા પોલીસ દ્વારા લેવાયેલ આગમચેતીના પગલાંઓના પરિણામે આ વિસ્તારના પાંચ હજારથી વધુ લોકોનું વાવાઝોડા પહેલાં જ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હોવાથી મોટી જાનહાનિ થતાં અટકી ગઇ છે. હવે, વાવાઝોડાથી થયેલા નુકશાનમાંથી સ્થિતી પૂર્વવત કરવા પાણી, વીજળી, માર્ગો વગેરેના રિસ્ટોરેશનની કામગીરી તંત્રએ ત્વરાએ ઉપાડી છે.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી, અમરેલી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ અધિક્ષક, સહિતના અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ તથા માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube